Israel vs Iran War Updates : હવે અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ખુલ્લેઆમ જોડાઈ ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે.
ટ્રમ્પે હુમલા બાદ કરી પોસ્ટ
ટ્રમ્પના મતે ઈરાનમાં મુખ્ય લક્ષ્ય ફોર્ડો પર અમેરિકાના લડાકુ વિમાનોએ બોમ્બમારો કર્યો હતો અને હવે બધા વિમાનો સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. તેમણે આ હુમલાને અમેરિકાની સૈન્ય તાકાતાનું ઉદાહરણ ગણાવ્યું અને કહ્યું કે હવે શાંતિનો સમય છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઈઝરાયલ માટે ચિંતાનો વિષય બની ગયો છે.
નેતન્યાહુએ આપ્યું રિએક્શન
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પના ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવવાના નિર્ણયને 'ઇતિહાસ બદલી નાખનાર હિંમતવાન પગલું' ગણાવ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું ઘણીવાર કહી ચૂક્યા છીએ કે - 'શાંતિ ફક્ત તાકાતથી જ આવે છે'. પહેલા તાકાત બતાવવામાં આવે છે, પછી શાંતિ સ્થાપિત થાય છે. નેતન્યાહુએ કહ્યું કે રાત્રે અમેરિકા અને ટ્રમ્પે સંપૂર્ણ તાકાતથી કાર્યવાહી કરી છે.
હુમલા બાદ ઈરાન લાલઘુમ
અમેરિકાના હવાઈ હુમલા પછી ઈરાનની સરકારે ચેતવણી આપી હતી કે હવે ક્ષેત્રમાં હાજર દરેક અમેરિકન નાગરિક અથવા સૈન્ય કર્મચારી ઈરાનના નિશાને રહેશે. આ નિવેદન અમેરિકા દ્વારા બંકર બસ્ટર બોમ્બના ઉપયોગના જવાબમાં આવ્યું છે, જેના કારણે પ્રદેશમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની ધારણા છે.