
અમેરિકાના પ્રમુખપદે નિમાયા પછી ટ્રમ્પે એક પછી એક ધડાધડ પગલાં જે રીતે લેવા માંડયા છે તેની સામે અમેરિકામાં પણ વિરોધનો વંટોળ ફૂંકાયો છે. વિરોધનો આ વંટોળ એક કે બે સ્થળોએથી નહીં પણ બધા 50 રાજ્યમાંથી ફૂંકાયો છે. તેમા ઇમિગ્રેશન પર ત્રાટકવાથી લઈને ટ્રાન્સજેન્ડરના અધિકાર અને પેલેસ્ટાઇનીઓને ગાઝાપટ્ટીથી બીજે મોકલવાના નિર્ણય સુદ્ધાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
બે સપ્તાહમાં લોકશાહી બદલાઈ
ફિલાડેલ્ફિયા અને કેલિફોર્નિયા, મિન્નેસોટા, મિશિગન, ટેક્સાસ,વિસ્કોન્સિન, ઇન્ડિયાના સહિતના રાજ્યોની રાજધાનીમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ, ટ્રમ્પના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડા ઇલોન મસ્ક અને પ્રોજેક્ટ 2025 સામે આકરો વિરોધ થઈ રહ્યો છે. ઓહાયોમાં કોલંબસની બહાર વિરોધ કરનારી માર્ગારેટ વિલ્મેથે જણાવ્યું હતું કે હુ જોઈ રહ્યુ છે કે છેલ્લા બે સપ્તાહમાં લોકશાહી બહુ બદલાઈ છે. હું ફક્ત વિરોધ પ્રદર્શન કરીને તેને બચાવવા પ્રયત્ન કરી રહી છું. આ વિરોધ હેશટેગ બિલ્ડહીયરરેઝિસ્ટન્સ અને હેશટેગ50501 શરૂ થયેલી ઓનલાઇન ચળવળનું પરિણામ છે. આમ એક જ દિવસે 50 રાજ્યોમાં 50 પ્રોટેસ્ટ થવાના છે અને સોશિયલ મીડિયામાં આ પ્રકારના સંદેશા વહેતા થયા છે તેમા ફાસીઝમને નકારવાની અને લોકશાહીને બચાવવાની વાત કહેવાઈ રહી છે.
વિરોધ પ્રદર્શનમાં વધારો
મિશિગન લાન્સિંગમાં શૂન્યથી નીચેના તાપમાનમાં પણ વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો ઊભા હતા. એન એર્બોર એરીયાના કેટી મિગ્લેટીએ જણાવ્યું હતું કે તેમને મસ્કને ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ડેટાના એક્સેસની ચિંતા છે. તેને લાગી રહ્યુ છે કે મસ્કે ટ્રમ્પને પપેટ બનાવ્યા છે. તેમા પણ મસ્કે જાન્યુઆરીનાભાષણ દરમિયાન હાથ જે રીતે લહેરાવ્યો તેને તે નાઝી સેલ્યુટ તરીકે જુએ છે. તેનું કહેવું છે કે જો આપણે તેમને અહીં ન અટકાવ્યા અને કોંગ્રેસે કશું ન કર્યુ તો આપણી લોકશાહી પર હુમલો થશે.
સોશિયલ સિક્યોરિટીના પ્રશ્નો
કેટલાય શહેરોમાં મસ્ક અને તેના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીની આકરી ટીકા થઈ રહી છે. વિરોધીઓનું કહેવું છે કે આ વિભાગનું કોઈ કાયદેસરનું અસ્તિત્વ જ નથી. લાખો લોકોની દલીલ છે કે અમારા સોશિયલ સિક્યોરિટીનો ડેટા શા માટે મસ્ક પાસે હોવો જોઈએ.