
ચીનના સંશોધકોએ કરેલાં દાવા અનુસાર પ્રાણીઓના અંગનું માનવ શરીરમાં પ્રત્યારોપણ કરવાના મામલે નવી દિશા સાંપડી છે. ચીનમાં ડોક્ટરોએ ડુક્કરની કિડની માણસમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે અને હવે ડુક્કરના લિવર્સ પણ ભવિષ્યમાં માનવને ઉપયોગી બનશે તેવા સંકેત આપ્યા છે. આ ચીની દર્દી દુનિયામાં ત્રીજી વ્યક્તિ છે જે જનીન દ્વારા સંપાદિત ડુક્કરની કિડની સાથે જીવી રહી છે. આ જ સંશોધક ટીમે બ્રેઈન ડેડ વ્યક્તિના શરીરમાં ડુક્કરના લિવરને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પણ પ્રયોગ કર્યો છે.
ચીનના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે ડુક્કરના અંગોને માનવસમાન બનાવવા માટે જિનેટિકલી તેમાં ફેરફાર કરી રહ્યા છે. તેમને આશા છે કે આમ કરી તેઓ ભવિષ્યમાં અંગોની અછતને નિવારી શકશે. અગાઉ યુએસમાં ડુક્કરના હૃદયને અને કિડનીઓને માનવ શરીરમાં બેસાડવાના અખતરાં થઈ ચૂક્યા છે પણ આ ચારે દર્દીઓ લાંબું ન જીવી શક્યા. પણ ડુક્કરની કિડની ધરાવતાં બે દર્દીઓ જીવી રહ્યા છે. અલાબામાની એક મહિલામાં નવેમ્બરમાં અને ન્યુ હેમ્પશાયરમાં જાન્યુઆરીમાં એક પુરૂષમાં ડુક્કરની કિડનીઓ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. યુએસમાં આ મામલે ક્લિનીકલ ટ્રાયલ શરૂ થવાની છે.
ચીનમાં દર્દી પર સર્જરી કરી ડુક્કરની કિડની બેસાડવામાં આવી તેના ત્રણ સપ્તાહ બાદ દર્દીની હાલત સારી છે અને ડુક્કરની કિડની સારું કામ કરી રહી છે. શિયાનમાં આવેલી ફોર્થ મિલિટરી મેડિકલ યુનિવર્સિટીની શીજિંગ હોસ્પિટલના ડો. લિન વાંગે પત્રકારોને આ માહિતી આપી હતી.વાંગે જણાવ્યું હતું કે 69 વર્ષની મહિલા આ ટ્રાન્સપ્લાન્ટ બાદ ટેસ્ટિંગ માટે હોસ્પિટલમાં જ છે. આઠ વર્ષ અગાઉ આ મહિલાની બંને કિડનીઓ ખલાસ થઈ ગઈ હતી. વાંગની ટીમે જણાવ્યું હતું કે તેમણે એક બ્રેઈન ડેડ વ્યક્તિમાં ડુક્કરનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું અને આ દર્દી દસ દિવસ સુધી જીવ્યો ત્યાં સુધી લિવરને તેના શરીરે રિજેક્ટ નહોતું કર્યું. ડુક્કરનું લિવર બાઇલ અને આલબ્યુમિનને પેદાં કરે છે પણ માનવ લિવર જેટલાં પ્રમાણમાં નહીં.
લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પડકારજનક છે કેમ કે માનવ લિવર શરીરમાંથી કચરો દૂર કરવાનું, પોષક તત્વો અને દવાઓનું વિભાજન કરવાનું, ચેપ સામે લડવાનું, આયર્નને સંગ્રહવાનું અને રક્તના ગંઠાવાની પ્રક્રિયાને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આમ એક લિવર અનેક પ્રકારના કામ કરતું હોય તેનું ટ્રાન્સપ્લાન્ટેશન પડકારજનક ગણાય છે. ડો. વાંગની ટીમે મૃત વ્યક્તિના શરીરને દૂર કર્યું નહોતું પણ ડુક્કરના લિવરને તેની બાજુમાં ગોઠવ્યું હતું. મિડિયા અહેવાલો અનુસાર બીજી એક ચીની હોસ્પિટલમાં ગયા વર્ષે એક દર્દીમાં કેન્સરગ્રસ્ત લિવરને દૂર કરી તેના સ્થાને ડુક્કરનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલું પણ આ પ્રયોગના પરિણામો જાહેર નથી કરાયા.