
અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં વિમાન અને બ્લેકહૉક હેલિકોપ્ટર વચ્ચે ટક્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લઇને લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. કેટલીક કૉન્સપિરેન્સી થિયરી સામે આવી રહી છે. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટનાને લઇને શંકા વ્યક્ત કરી છે.
વોશિંગ્ટન એરપોર્ટ પાસે બનેલી આ ઘટનાને લઇને કેટલીક કૉન્સપિરેન્સી થિયરી સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકન સેનાના હેલિકોપ્ટરે જાણી જોઇને વિમાનને ટક્કર મારી છે. કેટલાક લોકો તેને આતંકી ઘટના પણ ગણાવી રહ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પણ શંકા વ્યક્ત કરી
આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરતા કહ્યું કે, વિમાન એક નિશ્ચિત દિનચર્યા મુજબ રનવે તરફ આગળ વધી રહ્યું હતું પણ અચાનક હેલિકોપ્ટર સીધું વિમાન તરફ આગળ વધવા લાગ્યું. આકાશ સ્વચ્છ હતું. વિમાનની લાઇટો પણ ચાલુ હતી. સામે વિમાન જોયા પછી પણ હેલિકોપ્ટરે રસ્તો કેમ ન બદલ્યો? કંટ્રોલ ટાવરે હેલિકોપ્ટર પાઇલટને કેમ જાણ ન કરી કે સામે એક વિમાન છે? આ દુર્ઘટના અટકાવવી જોઈતી હતી. તે સારું ના થયું.
આર્મીનું હેલિકોપ્ટર પેસેન્જર વિમાન સાથે અથડાયું
મહત્ત્વપૂર્ણ છે કે રીગન નેશનલ એરપોર્ટ પર, અમેરિકન આર્મીના બ્લેકહોક હેલિકોપ્ટરે અમેરિકન એરલાઇન્સના વિમાનને પાછળથી ટક્કર મારી હતી ત્યારબાદ બંને નદીમાં પડી ગયા હતા. એરલાઇને પુષ્ટિ કરી છે કે અકસ્માત સમયે વિમાનમાં કુલ 64 લોકો સવાર હતા, જેમાં ચાર ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે. જે સેનાનું હેલિકોપ્ટર અથડાયું તે ટ્રેનિંગ ફ્લાઇટ હતી.
રિપોર્ટ અનુસાર, આ અકસ્માતમાં હજુ સુધી કોઈને બચાવી શકાયા નથી. વિમાનમાં 64 લોકો સવાર હતા જ્યારે સેનાના હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. અત્યાર સુધીમાં નદીમાંથી 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે.