
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ તેમના અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ભારતની એક મોટી માંગ સ્વીકારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાની-કેનેડિયન નાગરિક રાણા પર 2008ના મુંબઈ હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. ભારત લાંબા સમયથી તહવ્વુરના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. તહવ્વુર હાલમાં ઉચ્ચ સુરક્ષાવાળી અમેરિકન જેલમાં બંધ છે.
નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કહી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમે એક ખૂબ જ ખતરનાક માણસને ભારતને સોંપી રહ્યા છીએ. તેના પર મુંબઈ આતંકવાદી હુમલાનો આરોપ છે. નવેમ્બર 2008 માં, ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા અને ત્રણસોથી વધુ ઘાયલ થયા હતા. માર્યા ગયેલાઓમાં 18 સુરક્ષા કર્મચારીઓ પણ હતા
તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સ્પષ્ટ છે
યુએસ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે, જેનાથી હવે તેને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. આ પગલાથી આતંકવાદ સામે ભારત અને અમેરિકા વચ્ચે સહયોગ વધુ મજબૂત બનશે. રાણાના પ્રત્યાર્પણ સંબંધિત પ્રક્રિયા હવે ભારત અને અમેરિકા વચ્ચેની કાનૂની પ્રક્રિયાઓ હેઠળ પૂર્ણ થશે. આનાથી ભારતને 26/11 હુમલાના ગુનેગારોને ન્યાય અપાવવામાં મદદ મળશે અને આ હુમલાઓ પાછળનું સંપૂર્ણ સત્ય પણ ઉજાગર થશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે.
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. ટ્રમ્પે 20 જાન્યુઆરીએ અમેરિકામાં સત્તા સંભાળી. ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ પછી, મોદી અમેરિકાની મુલાકાત લેનારા બીજા રાજકારણી છે.