
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ સિરીઝની પહેલી મેચ જીતીને 1-0થી લીડ મેળવી છે. પહેલી મેચ બાર્બાડોસમાં રમાઈ હતી, જેમાં ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હેડે મેચની બંને ઈનિંગ્સમાં અડધી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે હેડને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. જેના કારણે હેડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
હેડે WTCમાં નવો રેકોર્ડ બનાવ્યો
WTCમાં ટ્રેવિસ હેડનું પ્રદર્શન હંમેશા શાનદાર રહ્યું છે. અત્યાર સુધી, ટ્રેવિસ હેડે WTCમાં 50 મેચ રમી છે, જેમાં તેણે 3199 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેના બેટમાંથી 8 સદી અને 15 અડધી સદી આવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શનને કારણે, તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. આ સાથે હેડના નામે હવે WTCમાં 10 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. તે આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
https://twitter.com/CricCrazyJohns/status/1938822958740652514
ઓસ્ટ્રેલિયાએ બાર્બાડોસ ટેસ્ટ 159 રનથી જીતી
આ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ ખૂબ જ નબળી હતી અને પહેલા જ દિવસે ટીમ પ્રથમ ઈનિંગમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટ્રેવિસ હેડે આ ઈનિંગમાં 59 રન બનાવ્યા હતા. આ પછી, ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 310 રન બનાવ્યા, જેમાં હેડે 61 રન બનાવ્યા. આ ઉપરાંત, બ્યુ વેબસ્ટર અને એલેક્સ કેરીએ 63-63 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ માટે બીજી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે, શમર જોસેફે સૌથી વધુ 5 વિકેટ લીધી. શમર જોસેફે આ મેચમાં સૌથી વધુ વિકેટ લીધી, તેણે બંને ઈનિંગ્સમાં મળીને 9 વિકેટ લીધી હતી.
આ પછી, બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી ખૂબ જ નબળી બેટિંગ જોવા મળી. મેચના ત્રીજા દિવસે, વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ પહેલા સેશનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી બેટિંગ કરતી વખતે, શમર જોસેફે સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ કરતી વખતે, જોશ હેઝલવુડે બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી.