MP Asaduddin Owaisi on Pakistan : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે આતંકવાદને પ્રોત્સાહન આપવાના બેવડા ધોરણો બદલ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. ઓવૈસીએ આતંકવાદમાં પાકિસ્તાનની સંડોવણીને ઉઘાડી પાડતાં કહ્યું કે એક કુખ્યાત આતંકવાદી સત્તાવાર રીતે જેલમાં હોવા છતાં પિતા બન્યો.
અલ્જિરિયામાં પાકિસ્તાનને લીધો આડેહાથ
ઓવૈસી સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળનો ભાગ છે અને હાલમાં અલ્જિરિયામાં છે. તેમણે શનિવારે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. ઓવૈસીએ કહ્યું કે આતંકવાદીઓને આશ્રય આપવાની ઇસ્લામાબાદની નીતિ દક્ષિણ એશિયામાં અસ્થિરતાને પ્રોત્સાહન આપે છે.
આતંકી લખવીનો કર્યો ઉલ્લેખ
તેમણે આતંકવાદી ઝકીઉર રહેમાન લખવીનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનના વલણની ટીકા કરી. ઓવૈસીએ કહ્યું, ઝકીઉર રહેમાન લખવી નામનો એક આતંકવાદી છે. દુનિયાનો કોઈ પણ દેશ આતંકવાદના આરોપોનો સામનો કરી રહેલા આતંકવાદીને જેલમાંથી બહાર આવવા દેશે નહીં, પરંતુ તે જેલમાં બેસીને એક પુત્રનો પિતા બન્યો. જોકે, જ્યારે પાકિસ્તાનને ગ્રે લિસ્ટ (FATF) માં મૂકવામાં આવ્યું, ત્યારે કેસ તરત જ આગળ વધ્યો.