Ahmedabad Plane Crash News: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે. મળતા સમાચારો મુજબ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત બીજે મેડિકલ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયાના સમાચાર છે.
પ્લેન ક્રેશ મામલે સી આર પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. સી આર પાટીલે પ્લેન દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્લેન શહેરની વચ્ચો વચ્ચ આ ઘટના થવા છતાં પણ અમે કાંઈ ન કરી શક્યા. વધુમાં તેમણે જણાવ્યું કે,આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સવાર હતા. તેઓ તેમના પરિવારને મળવા જઈ રહ્યા હતા. અને આ દુર્ઘટનાના તેઓ શિકાર બન્યા હતા.
શક્તિસિંહ ગોહિલે વિજય રૂપાણી મૃત્યુના સમાચારને ગણાવ્યા દુર્ભાગ્યપૂર્ણ
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને લખ્યું હતું કે વિજયભાઇ રૂપાણી, જેમની સાથે ગુજરાત વિધાનસભામાં એક સાથી તરીકે કામ કર્યું હતું. તેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુંના સમાચાર દુર્ભાગ્યપૂર્ણ છે. અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા છે તેવા સમાચારોથી ખુબ વ્યથિત છું.
https://twitter.com/shaktisinhgohil/status/1933129370475937900
દુર્ઘટનાગ્રસ્ત લોકોને મદદરૂપ બનવા, બ્લડ ડોનેટ કરવા અને પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવા કોંગ્રેસ કાર્યકર્તાઓને વિનંતી કરું છું. વિસાવદર અને કડીની પેટા ચુંટણીઓ ચાલી રહી છે ત્યારે આજના દિવસની તમામ જાહેર સભાઓ, સ્વાગત સમારોહ, રેલીઓ રદ્દ કરવાની ઘોષણા કરું છું. સમગ્ર કોંગ્રેસ પરિવાર શોકગ્રસ્ત પરિવારોની સાથે દુઃખમાં સહભાગી છે. ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરું છું અને મૃતકોને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું.
શંકર સિંહ વાઘેલાએ વ્યક્ત કર્યું દુ:ખ
તો બીજી તરફ વિસાવદર પેટા ચૂંટણીના ત્રણ દિવસના પ્રચાર પ્રવાસે ગયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનાની દુઃખદ સમાચાર મળતાની સાથે જ પોતાનો પ્રવાસ તાત્કાલિક રોકી અમદાવાદ માટે રવાના થઇ ગયા છે. તેમણે શોક વ્યક્ત કરતાં માહિતી આપી હતી કે આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાની માહિતી જાણીને દુ:ખ થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ ઘડીએ હિંમત આપે.
પરિમલ નથવાણીએ ટ્વિટ કર્યા બાદ ડિલિટ કરી નાખ્યું
પરિમલ નથવાણીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, "અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન વિશે જાણીને દુઃખ થયું. હું તેમને છેલ્લા ઘણા વર્ષોથી વ્યક્તિગત રીતે જાણતો હતો અને તેઓ ખૂબ જ સારા માણસ હતા. તેમની અકાળ વિદાય માટે મારી પાસે શબ્દો નથી. આ શોકના સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન દ્વારકાધીશ તેમને શાશ્વત શાંતિ આપે. ઓમ શાંતિ "
જોકે બાદમાં પરિમલ નથવાણીએ કોઇ કારણોસર આ ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું.