
સિંગર અરિજીત સિંહ (Arijit Singh) આજે એટલે કે 25 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે દરેક બાળક અરિજિત સિંહને જાણે છે. તેણે પોતાના જાદુઈ અવાજથી બધાના દિલ જીતી લીધા છે. અરિજિતના ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જોકે, અરિજિત (Arijit Singh) માટે આ સફર એટલી સરળ નહતી. તેણે ઘણો સંઘર્ષ કર્યો છે.
રિયાલિટી શોમાં ભાગ લીધો
અરિજિત સિંહ (Arijit Singh) એ 18 વર્ષની ઉંમરે રિયાલિટી શો 'ગુરુકુલ'માં ભાગ લીધો હતો. તે આ શોનો વિજેતા નહતો બની શક્યો. તે છઠ્ઠા સ્થાને પહોંચ્યો હતો. આ શોના જજ જાવેદ અખ્તર, શંકર મહાદેવન અને કેકે હતા. 'ગુરુકુલ' પછી, અરિજિત સિંહે '10 કે 10 લે ગયે દિલ'માં ભાગ લીધો. આ શોમાં 'ગુરુકુલ' અને 'ઈન્ડિયન આઈડલ'ના સ્પર્ધકો વચ્ચે ફેસ ઓફ જોવા મળ્યો હતો.
અરિજિતનું ગીત રિજેક્ટ થયું
અરિજિત (Arijit Singh) એ આ શો જીત્યો અને 10 લાખ રૂપિયાની ઈનામી રકમથી એક સ્ટુડિયો બનાવ્યો હતો. જોકે, આનાથી પણ તેને તે સ્ટારડમ ન મળ્યું જે તે શોધી રહ્યો હતો. આ પછી, તે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીના ધ્યાનમાં આવ્યો અને તેને રણબીર કપૂરની ફિલ્મ 'સાવરિયા' માં ગાવાની તક મળી. તેણે 'યુન શબનમી' ગીત ગાયું હતું. જોકે, તેનું આ ગીત રિજેક્ટ થઈ ગયું હતું. આ પછી, રમેશ તૌરાનીએ તેને એક મ્યુઝિક આલ્બમ માટે સાઈન કર્યો. પણ તે પણ રિલીઝ ન થયો.
આ રીતે બદલાયું અરિજિત સિંહનું નસીબ
આ પછી, અરિજિત સિંહ (Arijit Singh) 2006માં મુંબઈ શિફ્ટ થયો અને પછી તેનું મ્યુઝિક કરિયર શરૂ થયું. તેણે 'મર્ડર 2' માટે 'ફિર મોહબ્બત' ગીત ગાયું હતું. તેનું આ ગીત ખૂબ જ પસંદ આવ્યું હતું. 2013માં, તેને 'આશિકી 2' ના ગીત 'તુમ હી હો' થી નામ અને પ્રસિદ્ધિ મળી. તેના 'ફિર ભી તુમકો ચાહુંગા', 'પછતાઓગે', 'પલ', 'ખૈરિયત', 'સોચ ના સકે', 'હમારા અધુરી કહાની' જેવા ગીતો ચર્ચામાં રહ્યા છે. આજે અરિજિત સિંહ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે.