
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) IPL 2025માંથી બહાર થવાની અણી પર છે. બાકીની બધી મેચ જીત્યા પછી પણ પ્લેઓફમાં પહોંચવાની તેની આશા અન્ય ટીમો પર નિર્ભર રહેશે. જો હૈદરાબાદ આજની મેચ હારી જાય છે, તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બનશે. અક્ષર પટેલની કેપ્ટનશિપ હેઠળની દિલ્હી કેપિટલ્સ (DC) શરૂઆતથી જ સારા ફોર્મમાં દેખાતી હતી, પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં ટીમની હારથી મુશ્કેલીઓ ઊભી થઈ છે.
દિલ્હી છેલ્લી 4માંથી 3 મેચ હારી ગયું છે. DCએ આ મેચમાં પોતાના તમામ પ્રયત્નો કરવા પડશે અને મોટી જીત નોંધાવવી પડશે કારણ કે હવે ટીમો ફક્ત પોઈન્ટ માટે જ નહીં પરંતુ નેટ રન રેટ માટે પણ લડી રહી છે.
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા vs મિચેલ સ્ટાર્ક
આ ફેસઓફ રોમાંચક રહેશે, કારણ કે મિચેલ સ્ટાર્ક આ બંને બેટ્સમેનોને હેરાન કરે છે. ગયા વર્ષે જ્યારે સ્ટાર્ક KKRમાં હતો, ત્યારે તેણે ફાઈનલમાં પહેલી જ ઓવરમાં અભિષેકને બોલ્ડ કર્યો હતો. તે હેડને પણ પરેશાન કરી શકે છે. આ સિઝનમાં બંને ટીમો પહેલી વખત ટકરાઈ હતી ત્યારે સ્ટાર્કે 3.4 ઓવરમાં 35 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે ટ્રેવિસ હેડ અને ઈશાન કિશનની મહત્ત્વપૂર્ણ વિકેટો શરૂઆતમાં જ મેળવી લીધી હતી. તેથી, SRHના બેટ્સમેનોએ આ બોલરથી સાવધ રહેવું પડશે.
SRH બોલરોએ પોતાની તાકાત બતાવવી પડશે
SRHની ટીમ તેના બેટ્સમેન પર નિર્ભર છે, આ તેની મજબૂત અને નબળી કડી છે. તેના બેટ્સમેનોએ તો સારું પ્રદર્શન કરવું જ પડશે, પરંતુ તેના બોલરોએ પણ નવા બોલ સાથે વિકેટો લેવી પડશે. અનુભવી બોલર મોહમ્મદ શમી અત્યાર સુધી કઈ ખાસ નથી કરી શક્યો. તેણે 11ની ઈકોનોમીથી રન આપ્યા છે. આવી સ્થિતિમાં, તેણે અને કમિન્સે સારું પ્રદર્શન કરવું પડશે. જ્યારે DC માટે મિડલ ઓવર્સમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલ પર સારી બોલિંગ કરવાની જવાબદારી રહેશે.
ટીમને સારી શરૂઆત આપવા માટે DCના બેટ્સમેન કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસની જરૂર પડશે. SRHને ટ્રેવિસ હેડ અને અભિષેકની જોડીની જરૂર છે, અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ પણ રન બનાવવા પડશે. છેલ્લી મેચમાં જ્યારે SRH અને DC એકબીજા સામે ટકરાયા હતા, ત્યારે SRHના બેટ્સમેન અનિકેત વર્માએ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે 41 બોલમાં 74 રન બનાવ્યા હતા. DC તરફથી ફાફ ડુ પ્લેસિસે અડધી સદી (50) ફટકારી હતી અને અભિષેક પોરેલે 18 બોલમાં મહત્વપૂર્ણ 34 રન બનાવ્યા હતા.
હેડ ટૂ હેડ રેકોર્ડ
- કુલ મેચ - 25
- SRH જીત્યું - 13 મેચ
- DC જીત્યું - 12 મેચ
- દિલ્હી સામે હૈદરાબાદનો હાઈએસ્ટ સ્કોર - 266
- હૈદરાબાદ સામે દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર - 207
ક્યારે અને ક્યાં રમાશે મેચ?
SRH એ 10માંથી 3 મેચમાં જીત મેળવી છે, ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં 9મા સ્થાને છે. દિલ્હીએ 10માંથી 6 મેચ જીતી છે અને 4 હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી 12 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. આજે (5 મે), SRH અને DCનો મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
SRH: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી, મોહમ્મદ શમી.
DC: ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કરુણ નાયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, દુષ્મંત ચમીરા, મુકેશ કુમાર.