
રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિથી ક્રિકેટ ફેન્સને ઝટકો લાગ્યો હતો. દરમિયાન હવે વધુ એક દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના મેચ વિનર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડ કપ જીતવાના અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
મેક્સવેલે ભારત અને શ્રીલંકામાં 2026માં યોજાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ, બિગ બેશ લીગ અને તેની અન્ય વૈશ્વિક પ્રતિબદ્ધતાઓ માટે તેની તૈયારીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. વિસ્ફોટક બેટ્સમેન અને ઓફ-સ્પિન બોલરે ઓસ્ટ્રેલિયા માટે 149 ODI મેચ રમી છે, જેમાં તેણે 3990 રન બનાવ્યા છે. જેમાં તેણે 4 સદી અને 23 અડધી સદી ફટકારી છે. મેક્સવેલે ODIમાં એક બેવડી સદી પણ ફટકારી છે. તેણે 2023ના વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે મેચ વિનિંગ 201* બનાવ્યા હતા. આ સિવાય તેણે ODIમાં 77 વિકેટ પણ લીધી છે. તેનો બેસ્ટ બોલિંગ સ્પેલ 40 રન આપીને 4 વિકેટ લેવાનો છે.
ગ્લેન મેક્સવેલે એક પોડકાસ્ટમાં કહ્યું, "ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો મારો નિર્ણય કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી કેટલીક રમતો પછી આવ્યો હતો. મને લાગ્યું કે મેં મારી જાતને તે રમતો માટે ફિટ અને તૈયાર થવાની સારી તક આપી છે અને લાહોરમાં પહેલી રમત, અમે ખૂબ જ મુશ્કેલ આઉટફિલ્ડ પર રમ્યા હતા અને તે રમત પછી, હું ખૂબ જ અસ્વસ્થ હતો."