
કચ્છ જિલ્લાના લખપત તાલુકાના માલડો ગામમાં મામલતદારની ટીમે સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી કરી દબાણ દૂર કર્યા હતા. કચ્છ જિલ્લામાં પૂર્વ બાદ હવે પશ્ચિમમાં તંત્રએ સપાટો બોલાવી સરકારી જમીન ખાલી કરાવી હતી. દાદાનું બુલડોઝર ખેતરમાં વાવેલા એરંડાના પાકમાં ફરી વળ્યા બાદ દબાણ હટાવી દીધું હતું.
સરકારી જમીનો પર કરેલું વ્યાપક દબાણ તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી પૂરજોશમાં છે. ત્યારે દ્વારકા બાદ કચ્છના લખપતમાં સરકારી જમીનો પર કરેલું દબાણ તંત્રએ દૂર કરવા કમર કસી છે. લખપત તાલુકાના માલડોના રહેવાસી રમેશ આરબ કોલીએ સરવે નંબર 43ની સરકારી જમીન પર ગેરકાયદે એરંડાનું વાવેતર કર્યું હતું. જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ કાર્યવાહી કરીને આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. સરકારી જંત્રી મુજબ આ જમીનની કિંમત 45.26 લાખ રૂપિયા થાય છે.