
Ahmedabad Plane Crash News: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે પહેલો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. મૃતકનો DNA મેચ થતાં તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. હાલ ૩૯ લોકોના DNA મેચ થયા છે. તે પૈકી ૫-૫ પરિવારોને હાલ બોલાવવામાં આવી રહ્યા છે. તબક્કાવાર રિપોર્ટ આવતા બોડી સોંપવામાં આવશે. નવા પોસ્ટમોટર્મ રૂમથી મૃતદેહ સોંપવાની શરૂઆત કરવામાં આવી છે.
સિવિલમાં DNA ટેસ્ટિંગ કર્યા બાદ મૃતકોના મૃતદેહો પીડિત પરિવારોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એક અહેવાલ એવા સામે આવ્યા છે કે, કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળી આવ્યા છે.
તેમજ આજે સવારે વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેલના ભાગમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મૃતદેહ વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોઈ શકે છે.
પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
જોકે કાટમાળ હટાવતી ટીમને જેવો જ આ મૃતદેહ મળ્યો કે તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં હાલમાં 265થી વધુ લોકોના મૃતદેહો આવી ચૂક્યા છે જેઓ વિમાન દુર્ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ લોકોમાંથી ઘણાના મૃતદેહોની એવી હાલત થઇ ચૂકી છે જેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. જેના લીધે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. જેથી કરીને પીડિત પરિવારોને તેમના પ્રિયજનોના દેહ સોંપી શકાય.