
ભારતના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) તાજેતરમાં તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) 2025ની એક મેચમાં ગુસ્સે ભરાયો હતો, જેના કારણે તેને ભારે કિંમત ચૂકવવી પડી હતી. ડિંડીગુલ ડ્રેગન્સની કેપ્ટનશિપ કરી રહેલા અશ્વિન (Ravichandran Ashwin) ને એક વિવાદાસ્પદ નિર્ણય બાદ મેદાન પર પોતાની લાગણીઓને કાબૂમાં ન રાખવા બદલ સજા આપવામાં આવી છે. આ ઘટના 8 જૂને આઈડ્રીમ તિરુપ્પુર તમિઝન્સ સામે રમાયેલી મેચ દરમિયાન બની હતી.
આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે અશ્વિનને પાંચમી ઓવરમાં LBW આઉટ આપવામાં આવ્યો. આ નિર્ણય લેફ્ટ આર્મ સ્પિનર સાઈ કિશોરના બોલ પર આવ્યો, જ્યારે અશ્વિને સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના પેડ પર વાગ્યો. અમ્પાયરે તેને આઉટ આપ્યો, જોકે રિપ્લેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ થયો હતો, જે LBW માટે માન્ય નથી માનવામાં આવતું. અશ્વિનની ટીમ પહેલાથી જ બંને DRS રિવ્યૂ ગુમાવી ચૂકી હતી, તેથી તેઓ આ નિર્ણયને પડકારી ન શક્યા.
અમ્પાયરના નિર્ણયથી ગુસ્સે થઈને, અશ્વિને તરત જ મેદાન પર વાંધો ઉઠાવ્યો અને અમ્પાયર સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. તેનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે બેટથી પોતાના પેડ મારી દીધું અને ડગઆઉટ પર પહોંચીને ગુસ્સામાં પોતાના ગ્લોવ્સ ફેંકી દીધા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયોહતો. અશ્વિનની આવી પ્રતિક્રિયા તેના લાંબા કારકિર્દીમાં દુર્લભ માનવામાં આવે છે, તે સામાન્ય રીતે શાંત અને વ્યૂહાત્મક ખેલાડી તરીકે ઓળખાય છે.
અશ્વિનને દંડ ફટકારવામાં આવ્યો
મેચ પછી મેચ રેફરીએ અશ્વિનના વર્તનની તપાસ કરી. અમ્પાયરના નિર્ણય સામે વાંધો ઉઠાવવા બદલ તેને મેચ ફીના 10 ટકા અને ક્રિકેટ સાધનોના દુરુપયોગ માટે 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો. TNPLના એક અધિકારીએ જણાવ્યું, "મેચ રેફરીએ મેચ પછી સુનાવણી હાથ ધરી હતી. અશ્વિનને અમ્પાયર સામે અસંમતિ દર્શાવવા બદલ 10 ટકા અને સાધનોના દુરુપયોગ બદલ 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે દંડ સ્વીકારી લીધો છે."