પૂર્વ અમદાવાદના નિકોલ, નરોડા, બાપુનગર, ઠક્કરબાપાનગર, સરદારનગર, ઈન્ડિયા કોલોનીથી માંડીને મણિનગર સુધીના વિસ્તારમાં ઠેર ઠેર ખોદાયેલા રસ્તા પર લોકો હાડમારી વેઠી રહ્યા છે. ચોમાસા પહેલાં તમામ કામ અધિકારીઓ પાસે પૂરા કરાવવામાં મ્યુનિના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે ખોખરા વિસ્તારમાં રસ્તા પર 'મંદિર-મસ્જિદ, હિન્દુ-મુસ્લિમના નામે મત આપ્યા! હવે રસ્તા, ભ્રષ્ટાચાર, ગંદકીનો વિરોધ કરવો નહીં' કંઈક આવા લખાણ સાથે બેનર લગાવી નાગરિકો દ્વારા પસ્તાવારૂપી કટાક્ષ કરવામાં આવ્યો છે. જોકે આ ફક્ત ખોખરાની વેદના નથી, આખા પૂર્વમાં લોકોના મનમાં આવી લાગણી પેદા થઈ છે.

