
રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ટીમ શુભમન ગિલની આગેવાની હેઠળ ઈંગ્લેન્ડ પહોંચી છે. 20 જૂનથી પ્રથમ ટેસ્ટ શરૂ થશે. એવામાં ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની રીત અંગે નિરાશા વ્યક્ત કરી છે.
વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે રવિ શાસ્ત્રીનું નિવેદન
આ અંગે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, "જ્યારે તમે જશો, ત્યારે જ લોકોને અહેસાસ થશે કે તમે કેટલા મોટા ખેલાડી હતા. મને દુઃખ છે કે તેણે નિવૃત્તિ લીધી, તે જે રીતે ગયો. મને લાગે છે કે તેને વધુ સારી રીતે સંભાળી શકાયો હોત. વધુ વાત થવી જોઈતી હતી. જો મારો આમાં કોઈ હાથ હોત તો હું ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તરત જ તેને કેપ્ટન બનાવી દેત.'
કોહલીએ રેડ બોલ ક્રિકેટને અલવિદા કહેતા બધા આશ્ચર્યચકિત
વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, જે સૌ કોઈ માટે આશ્ચર્યજનક હતું. તેણે IPL 2025ની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી અને પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી.
કોહલીનો સંન્યાસ રોહિત શર્માના ટેસ્ટ કારકિર્દીને અલવિદા કહ્યાના થોડા દિવસો પછી આવ્યો. રોહિતનો સંન્યાસ લગભગ નિશ્ચિત હતો, પરંતુ કોહલીનું તેની મનપસંદ ફોર્મેટમાંથી દૂર થવું ફેન્સને આશ્ચર્યચકિત કરી ગયું.
કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત 130 મેચોમાં 9230 રન સાથે કર્યો હતો. આ ફોર્મેટમાં તેના નામે 30 સદી છે. તે 10,000 રનથી વધારે દૂર નહતો, પરંતુ તેણે રેકોર્ડની પરવા કર્યા વગર રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દીધું.