
૨૦૦૮માં મુંબઇ પર આતંકવાદી હુમલાનું કાવતરૂ ઘડવામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વૂર રાણાએ યુએસ-ભારત પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટમાં કરેલી ઇમરજન્સી અરજીને યુએસની સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી તેના પગલે ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઇએ- અને રિસર્ચ એન્ડ અનાલિસીસ વિંગ- રોની ટીમ આરોપી રાણાને લઇને નવી દિલ્હી આવવા માટે રવાના થઇ ગઇ છે.
જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી
તહવ્વૂર રાણા ગુરૂવારે સવારે સ્પેશ્યલ ફલાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચે તે સાથે જ તેને નવી દિલ્હીની એનઆઇએ કોર્ટમાં રજૂ કરી ક્સ્ટડી મેળવવામાં આવશે. એ પછી મુંબઇની ક્રાઇમ બ્રાંચ દ્વારા તેનો કબજો મેળવવામાં આવશે. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે.
ભારતીય અધિકારીઓની ટીમ ખાસ ફલાઇટ દ્વારા નવી દિલ્હી આવવા માટે રવાના થઇ
રાણાએ ભારતમાં તેને પ્રત્યાર્પિત કરવા સામે યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર નાઇન્થ સરકીટમાં કરેલી આખરી અરજીને નકારી કઢાઇ તે સાથે જ રાણાનો કબજો મેળવી ભારતીય અધિકારીઓની ટીમ ખાસ ફલાઇટ દ્વારા નવી દિલ્હી આવવા માટે રવાના થઇ હતી. તહવ્વૂર રાણાને ભારત પાછો લાવવાની સમગ્ર કામગીરી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલની બાજ નજર હેઠળ પાર પાડવામાં આવી રહી છે.
મુંબઇ પર ૨૦૦૮માં કરેલાં આતંકી હુમલામાંં તેણે ભજવેલી ભૂમિકા બદલ હવે ભારતની કોર્ટમાં રાણા સામે ખટલો ચલાવવામાં આવશે. આ કેસમાં અગાઉ એક આતંકી અજમલ કસાબને જ ફાંસીની સજા થઇ છે. મુંબઇ પર આતંકી હુમલો પાર પાડયાના એક વર્ષ બાદ તહવ્વૂર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઓક્ટોબર ૨૦૦૯મા મોહમ્મદ પયગંબરના કાર્ટૂન પ્રકાશિત કરનારાં ડેનમાર્કના અખબાર જ્યાલેન્ડસ-પોસ્ટેન પર આતંકી હુમલો કરવાની તજવીજ કરી રહ્યા હતા. એ સમયે હેડલી શિકાગોના ઓહેર એરપોર્ટ પરથી ફિલાડેલ્ફિયા જવા રવાના થવાનો હતો ત્યારે જ તેમના અખબાર પર હુમલો કરવાના કાવતરાંની ગંધ આવી જતાં એફબીઆઇ દ્વારા હેડલીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
તહવ્વૂર રાણા અને ડેવિડ હેડલીની દોસ્તી પાકિસ્તાનના હસન અબ્દાલમાં કેડેટ કોલેજમાં થઇ હતી.બંને જણાંએ ત્યાં એક સાથે પાંચ વર્ષ એક જ સ્કૂલમાં ગાળ્યા જેના કારણે બંને વચ્ચેનીદોસ્તી ગાઢ બની હતી. એ સમયે ડેવિડ હેડલીનું નામ દાઉદ સઇદ ગિલાની હતું. જે તેણે અમેરિકા જઇને બદલી નાંખી ડેવિડ કોલમેન હેડલી રાખ્યું હતું. હેડલીનો જન્મ ૩૦ જુન ૧૯૬૦ના રોજ વોશિંગ્ટન ડીસીમાં થયો હતો. તેની માતા અમેરિકન અને પિતા પાકિસ્તાની હતા. તો બીજી તરફ તહવ્વૂર રાણાનો જન્મ પાકિસ્તાનના પંજાબ સૂબામાં ૧૨ જાન્યુઆરી ૧૯૬૧ના રોજ થયો હતો. રાણા બાદમાં પાકિસ્તાની આર્મીમાં ડોક્ટર બની ગયો હતો. તેની પત્ની પણ ડોક્ટર હતી. ૧૯૯૭માં રાણાએ પોતાના પરિવાર સાથે કેનેડા ગયો અને ત્યાં ઇમિગ્રેશન એન્ડ ટ્રાવેલ એજન્સી શરૂ કરી. હેડલીની માતા તેના પિતાથી અલગ થઇ ત્યારે ૧૯૭૭માં તે હેડલીને લઇને અમેરિકા આવતી રહી. શિકાગોમાં રાણા અને હેડલીની ફરી મુલાકાત થઇ. હેડલીએ અમેરિકન તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે રાણા લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો છે અને તેણે જ મુબઇ પર આતંકી હુમલાનું કાવતરૂ ઘડી તેના આયોજન અને રેકી માટે મને મુંબઇ મોકલ્યો હતો.
એફબીઆઇએ હેડલીની પૂછપરછ કરતાં તેમને ખબર પડી કે હેડલી તો મુંબઇ પર થયેલાં આતંકી હુમલામાં પણ સામેલ હતો. તેની ધરપકડના પખવાડિયા બાદ એફબીઆઇએ ૧૮ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ તહવ્વૂર રાણાની પણ શિકાગોમાં એ જ ઓહેર એરપોર્ટ પરથી ધરપકડ કરી.આમ, અનાયાસે જ આ બંને આરોપીઓ એફબીઆઇના હાથમાં બીજાજ કેસમાં પકડાઇ ગયા હતા. એફબીઆઇએ પછી રાણા અને હેડલી પર લશ્કર-એ-તૈયબાને સહાય કરવાનો અને મુંબઇ પર આંતકી હુમલો કરવાનો પણ આરોપ મુકી તેમની સામે ખટલો માંડયો હતો. જેમાં હેડલી તાજનો સાક્ષી બની ગયો હતો.
૨૦૧૯માં ભારત સરકારે રાણાનું પ્રત્યાર્પણ કરવાની માંગણી કરી
૨૦૧૯માં ભારત સરકારે રાણાનું પ્રત્યાર્પણ કરવાની માંગણી કરી હતી. ૨૦૨૦ના જુનમાં ભારતે આ મામલે વિધિસર ફરિયાદ કરી પ્રત્યાર્પણ માટે માર્ગ મોકળો કર્યો હતો. દરમ્યાન આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવશે અને તેણે ભારતમાં અદાલતોનો સામનો કરવો પડશે તેમ જણાવ્યું હતું. ભારત માટે રાણાનું પ્રત્યાર્પણ એક મોટી કૂટનીતિક જીત બની રહી છે.
અન્ય બે આતંકીઓએ મુંબઇમાં એક ઇમિગ્રેશન ઓફિસ ખોલવાની યોજના બનાવી હતી
હેડલીએ તાજના સાક્ષી તરીકે આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે ૨૦૦૬માં તેણે અને અન્ય બે આતંકીઓએ મુંબઇમાં એક ઇમિગ્રેશન ઓફિસ ખોલવાની યોજના બનાવી હતી. જેથી તેમની ગુનાઇત પ્રવૃત્તિઓને છુપાવી શકાય.હેડલીએ આ માહિતી રાણાને આપતાં રાણાએ તેની શિકાગો સ્થિત કંપની ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા હેડલીને ભારતમાં તેની એક બ્રાંચ ખોલી આપવાની મંજૂરી આપી જેથી હેડલી સરળતાથી મુંબઇ આવી જઇ શકે. હેડલીએ ૨૦૦૭ અને ૨૦૦૮ દરમ્યાન પાંચવાર ભારતની મુલાકાત લીધી અને તેનો પાંચ વર્ષનો વીસા મેળવ્યો. એનઆઇએ દ્વારા તૈયાર કરવામાં આવેલાં ડોઝિયર અનુસાર હેડલીએ રેકી કરી એ દરમ્યાન ૨૩૧ વાર રાણાને કોલ કરી તેની સાથે વાત કરી તેના પવઇમાં રહેવાની વ્યવસ્થાથી માંડી સંભવિત લક્ષ્યાંકોની પસંદગી વિશે પણ માહિતીની આપ-લે કરી હતી. એ પછી તહવ્વૂર રાણાએ ૧૩ નવેમ્બર ૨૦૦૮ અને ૨૧ નવેમ્બર ૨૦૦૮ દરમ્યાન ભારતની મુલાકાત લઇ ભારતના અનેક શહેરોનીમુલાકાત લીધી હતી. એ પછી ડેવિડ હેડલી અને રાણાએ ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજમુંબઇમાં આતંકી હુમલાને કોડ વર્ડમાં ઇ-મેઇલની આપ-લે કરી અંજામ આપ્યો હતો. જો કે, રાણા આતંકી હુમલાના ગણતરીના દિવસો અગાઉ જ ભારત છોડી રવાના થઇ ગયો હતો. રાણાના આંતકી કાવતરાંને પરિણામે મુંબઇમાં ૧૬૬ જણાંએ જીવ ગુમાવવો પડયો હતો.