સુરતમાં DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના ભરતી વિવાદે આખરે વાટાઘાટોના આધારે નવી દિશા લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા વિરોધને લઈ આજે DGVCLના અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેના પરિણામે વિરોધ હટાવવામાં આવ્યો છે. DGVCL દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી છે કે શનિવારથી ૩૫ પાત્ર ઉમેદવારોને નિયમિત ઓર્ડર અપાશે. સાથે જ આગામી સમયમાં કુલ ૧૦૦ લોકોની નવી નિમણૂક કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
તબક્કાવાર ભરતી થશે
વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે, ખાલી પડતી જગ્યા પ્રમાણે તબક્કાવાર ભરતી કરવામાં આવશે. જયાં તત્કાલ જરૂર હોય ત્યાં ખાનગી રીતે આઉટસોર્સિંગ પદ્ધતિથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. પરંતુ જેમ જેમ જગ્યા ખાલી થશે, તેમ તેમ નિયમિત નિમણૂક કરવામાં આવશે.વિરોધ કરતા ઉમેદવારો તરફથી સ્પષ્ટ કરાયું છે કે, જો અનામત અને બિનઅનામત કેટેગરી મુજબ રોસ્ટર પદ્ધતિનું પાલન નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
યુવાનોએ લીધો રાહતનો શ્વાસ
હાલના માટે વાટાઘાટો સફળ રહી છે અને ઉમેદવારો હવે નવા ઓર્ડર અને નિમણૂક માટે રાહ જોઈ રહ્યા છે. DGVCLના નિર્ણયથી ઘણા યુવાનોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે.