
ગયા મહિને અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. તેનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર આવ્યો છે. આ તપાસ રિપોર્ટ મુદ્દે એરલાઇન પાઇલટ્સ એસોસિએશન (ALPA) એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શનિવારે (12 જુલાઈ, 2025), ALPA ના પ્રમુખ સેમ થોમસે એક નિવેદનમાં પ્લેન દુર્ઘટના તપાસની ટીકા કરતા દાવો કર્યો કે, રિપોર્ટમાં પાઇલટ્સને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અજાણતા હલી જતાં અકસ્માત થયો
થોમસે વધુમાં કહ્યું હતું કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ પાઇલટ્સને અંધારામાં રાખીને મીડિયા સાથે પ્રારંભિક અહેવાલ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "આ તપાસમાં રાખવામાં આવેલી ગુપ્તતાથી અમે હેરાન છીએ. ALPA એ 10 જુલાઈ, 2025 ના રોજ વોલ સ્ટ્રીટ જર્નલના આર્ટિકલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એ લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અજાણતા હલી જતાં અકસ્માત થયો હતો.
પાઇલટ એસોસિએશને ઉઠાવ્યા સવાલ
એસોસિએશને પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, આ સંવેદનશીલ માહિતી પ્રેસ સુધી કેવી રીતે પહોંચી. એસોસિએશને કહ્યું, "અમને આશ્ચર્ય થયું કે આટલા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ કોઈપણ જવાબદાર વ્યક્તિની સહી વિના મીડિયા સમક્ષ રજૂ કેવી રીતે કરવામાં આવ્યા. અમે આ બાબતો ધ્યાને રાખીને અધિકારીઓને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે, પારદર્શિતા સુનિશ્ચિત કરાવવા અમને પણ નિરીક્ષકો તરીકે સામેલ કરવામાં આવે.
ALPA એ AAIB ની ટીકા કરી
પરિસ્થિતિને અત્યંત ચિંતાજનક ગણાવતા, ALPA એ AAIB ની સત્તાવાર સહી વિના દસ્તાવેજ જાહેર કરવા બદલ ટીકા કરી અને તાત્કાલિક સુધારાની માંગ કરી. એસોસિએશને કહ્યું, "અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષકોની હેસિયતથી અમને પણ આ તપાસમાં સામેલ કરવામાં આવે.