
Ahmedabad Plane Crash News: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કરુણાંતિકાને એક મહિનો વિત્યો છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ દુર્ઘટનાના દિવસની સ્થિતિ વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, દુર્ઘટના થઈ તે સમયે મેજર સર્જરી ચાલતી હોવાથી હું ઓપરેશન થિયેટરમાં હતો. અમારા ચીફ સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે IGP કંપાઉન્ડમાં આગની ઘટના છે. પોણા 2 વાગ્યા આસપાસ જાણ થઈ કે પ્લેન ક્રેશ થયું છે.
તેમણે જણાવ્યું કે, પ્લેન ક્રેશના સમાચાર મળતા ઓપરેશન થિયેટરની બહાર આવી ટ્રોમા સેન્ટર પહોંચ્યો. RMO, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ સહિતના લોકોને ફોન કર્યા. દવા સહિતનો જથ્થો રાખવા કહ્યું, તમામ વધારાના સ્ટાફને ટ્રોમામાં શિફ્ટ કર્યા. હોસ્ટેલ અને મેસ પર પ્લેન ક્રેશ થયું તે સમાચાર મળ્યા. તમામ અપડેટ આવી રહ્યા હતા એ દરમિયાન ગોલ્ડન અવર્સ મેનેજમેન્ટ થયું.
ગ્રીન ચેનલ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમમાં લઈ જવાયા હતા
પરિવારજનો પણ સિવિલ પહોંચી રહ્યા હતા માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી હતી. પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફે રાત દિવસ કામ કર્યું. ક્લાસ 1થી લઈ ક્લાસ 4 સુધીના સ્ટાફે સમય જોયા વિના કામ કર્યું છે. IMA સહિત પ્રાઇવેટ ડૉક્ટરોના પણ મદદ માટે ફોન આવી રહ્યા હતા. ઘટના બાદ તુરંત જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હોસ્પિટલ આવ્યા.
રાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવ્યા, બીજા દિવસે PM મોદી આવ્યા
વધુમાં તેમણે જણાવ્યું કે, અમિત શાહ અને PM મોદીએ પણ પહોંચી પરિવારને શક્ય તેટલી તમામ મદદ અને મુશ્કેલી વિના સ્વજનનો નશ્વર દેહ મળે એવું આયોજન કરવા કહ્યું હતું. DNA મેચિંગની પ્રક્રિયા બાદ પરિવારને તમામ ડોક્યુમેન્ટ સાથે મૃતદેહ મળે તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતા. તમામ પ્રક્રિયા બાદ 260 જેટલા મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા તમામ સન્માન સાથે મૃતદેહો પરિવારને મળે અને અંતિમ વિધિ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
18 હિન્દુ અને 1 મુસ્લિમ મૃતકના અંગોની વિધિ તંત્ર દ્વારા કરાઈ હતી
મૃતદેહ સોંપાયા બાદ મૃતકોના અન્ય અંગો મળ્યા જેમાંથી 7 જેટલા પરિવારો અંગો લઈ ગયા હતા. 19 મૃતદેહોના અન્ય અંગોનો તંત્ર દ્વારા સન્માન સાથે વિધિ કરવામાં આવી હતી. 18 હિન્દુ અને 1 મુસ્લિમ મૃતકના અંગોની વિધિ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. હિન્દુ મૃતદેહોની વિધિ સન્માન સાથે કરાઈ તો 1 મુસ્લિમ વ્યક્તિમાં મૃતદેહની મૌલવીની હાજરીમાં દફનવિધિ કરાઈ હતી.
અંતે તેમણે જણાવ્યું કે,પ્લેન ક્રેશમાં વિદેશી પ્રવાસીઓ પણ સવાર હતા જેથી વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સંકલન કરી સ્ટાન્ડર્ડ પ્રોસીઝરથી મૃતદેહ સોંપાયા હતા. મૃતદેહ વિદેશ પહોંચાડવાના હોવાથી વિશેષ કેમિકલ સહિતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજકીય નેતાથી લઈ RSS, NGO, સામાજિક સંસ્થાઓથી લઈ સિવિલ હોસ્પિટલના સ્ટાફે રાત દિવસ સેવા આપી હતી. ફરી આવી દુર્ઘટના કોઈ સાથે ન બને તેવી પ્રાર્થના કરીએ છીએ.