
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના આ રિપોર્ટમાં ફ્યુઅલ સ્વીચમાં ખામીને દુર્ઘટનાનું કારણ કહેવામાં આવ્યું છે. ફ્યુઅલ સપ્લાય ખોરવાઈ ગયો અને વિમાન ક્રેશ થયું. ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અંગે લગભગ છ-સાત વર્ષ પહેલાં એક મહત્ત્વપૂર્ણ સલાહ આપવામાં આવી હતી. પરંતુ આ સલાહને અવગણવામાં આવી હતી. જો આ સલાહનું પાલન કરવામાં આવ્યું હોત, તો આ વિમાન દુર્ઘટના ન સર્જાઈ હોત.
અમેરિકન એવિએશન રેગ્યુલેટરે સલાહ આપી હતી
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગેના રિપોર્ટમાં અમેરિકન એવિએશન રેગ્યુલેટરની સલાહનો ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે આ સલાહ અમેરિકન એવિએશન રેગ્યુલેટર ફેડરલ એડમિનિસ્ટ્રેશન દ્વારા 17મી ડિસેમ્બર 2018ના રોજ આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકિંગ ફીચરમાં સમસ્યા હતી. જોકે, એર ઈન્ડિયાએ આ સલાહનું પાલન કર્યું ન હતું. કારણ એ આપવામાં આવ્યું હતું કે આ ફરજિયાત કાર્યવાહી માટે કહેવામાં આવ્યું ન હતું, પરંતુ તે સલાહકાર હતી. તેથી આવું કોઈ નિરીક્ષણ ક્યારેય કરવામાં આવ્યું ન હતું. જો કે, તાત્કાલિક સલામતીમાં કોઈ ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો નથી. પરંતુ આ દુર્ઘટનાથી બોઈગ 787ની ડિઝાઇન, ખાસ કરીને ફ્યુઅલ સ્વીચ મિકેનિઝમ અને તેની લોકીંગ સિસ્ટમ પર વૈશ્વિક તપાસ શરૂ થઈ છે.
બંને એન્જિન બંધ થઈ ગયા હતા
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ શુક્રવારે (11મી જુલાઈ) મોડી રાત્રે અકસ્માતનો 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો. આ રિપોર્ટ મુજબ, બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનને ઈંધણ મળવાનું બંધ થતાં થ્રસ્ટ ઘટવા લાગ્યુ હતું અને વિમાન નીચે તરફ ધકેલાવા લાગ્યું. જો કે, હજુ એ સ્વીચ કટઓફની સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે જણાવવામાં આવ્યું નથી.
મેન્ટેનન્સ રિપોર્ટમાં કોઈ ખામી નથી
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા AAIBએ એર ઇન્ડિયાના મેન્ટેનન્સ રિપોર્ટની પણ તપાસ કરી છે. જેમાં વર્ષ 2023થી વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં કોઈ ખામી નથી. વિમાનમાં કોકપીટ કંટ્રોલ પેનલ છેલ્લે 2023માં જ બદલવામાં આવ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ટેકનિકલ ટીમો ફ્લાઇટ ડેટા, કોકપીટ ઓડિયો અને હાર્ડવેર ઘટકોની તપાસ કરી રહી છે જેથી સમજી શકાય કે કોકપીટ એરર, તકનીકી ખામી અથવા પ્રક્રિયાગત ભૂલ કોઈ ભૂમિકા ભજવી હતી કે નહીં. તમામ પાસાઓનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી અંતિમ રિપોર્ટ જાહેર કરાશે.