
- બાળક થયા પછી અમારે ક્યાં સુધી સેક્સ ન કરવું જોઈએ? ત્યારે કઈ ગર્ભનિરોધક રીત અપનાવવી સૌથી યોગ્ય રહેશે? શું 'ઓરલ પિલ્સ' લેવી યોગ્ય રહેશે?
એક પત્ની (વડોદરા)
* આ નિર્ણય પતિપત્ની પર આધાર રાખે છે કે બાળકના જન્મ પછી તેઓ ક્યારથી ફરી સેક્સ સુખનો આનંદ લેવા ઇચ્છે છે. તબીબી દ્રષ્ટિએ તેના પર કોઈ પ્રતિબંધ નથી. એ સ્વાભાવિક છે કે પ્રથમ થોડાંક અઠવાડિયાં પતિપત્નીની સેક્સ રુચિ કુદરતી રીતે જ જાગૃત નથી થતી.
નવપ્રસૂતા સ્ત્રી પર બાળકની સારસંભાળની નવી જવાબદારી પણ તેને સેક્સ સુખ તરફ પ્રેરિત નથી કરતી. ત્યાં સુધી રાહ જોવી યોગ્ય છે. સેક્સ માત્ર શારીરિક મિલન જ નથી, પરંતુ તેનાથી વધારે મનની લાગણી છે. જો મન બીજે ક્યાંક હોય, તો સેક્સ સુખ નથી મળી શક્તું.
શરૂઆતમાં પહેલાં જેવી હૂંફ પણ નથી અનુભવાતી. તે પાછી આવવામાં થોડો સમય લાગે છે.
બાળકના જન્મ પછી તરત ગર્ભનિરોધક ગોળીઓ લેવી યોગ્ય નથી. આ રીત એ મહિલાઓ માટે જ યોગ્ય છે, જે કોઈ કારણસર બાળકને પોતાનું દૂધ ન આપી શકતી હોય. આ સ્થિતિમાં ગર્ભનિરોધક ગોળી જલદી શરૂ કરી શકાય છે. ત્યારે પણ શરૂઆતના ૧૪ દિવસ સુધી તે અસર નથી કરતી અને આ સમયગાળામાં સુરક્ષાનો અન્ય વિકલ્પ, જેમ કે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.
ગર્ભનિરોધકની ઘણી રીતો અપનાવી શકાય છે. પ્રસૂતિ બાદ જ્યારે પ્રથમ તપાસ માટે ડોક્ટર પાસે જાઓ ત્યારે કોપર-ટી મૂકાવવામાં હિત છે. પણ કેટલીક મહિલાઓનું શરીર કોપર-ટી સ્વીકારતું નથી. આ સ્થિતિમાં ડોક્ટર અન્ય વિકલ્પની સલાહ આપે છે.
પતિ કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે. શરૂઆતમાં કેટલાંક અઠવાડિયાં લુબ્રિકેટેડ કોન્ડોમનો ઉપયોગ સૌથી સારો અને સરળ છે. જો કોઈ શુક્રાણુનાશક જેલી અથવા ક્રીમનો ઉપયોગ પણ કરવામાં આવે તો સેક્સમાં સરળતા રહે છે.
મહિલા ઇચ્છે તો કેપ અથવા ડાયાપામનો ઉપયોગ પણ કરી શકે છે. બજારમાં હવે મહિલાઓ માટે પણ કોન્ડમ ઉપલબ્ધ છે.
* સેક્સ દરમિયાન શિશ્નમાંથી સ્પર્મ ક્યારે નીકળે છે? ગર્ભાધાન કેવી રીતે થાય છે? શું કોઈ એવો ઘરગથ્થુ ઉપાય છે જેનાથી સગર્ભાવસ્થાની ખબર પડે?
એક પુરુષ (બારડોલી)
* ગર્ભાધાન થવા માટે શુક્રાણુનું અંડકોશ સાથે ફલિનીકરણ થવું જરૂરી છે. આ ગર્ભાધારણની પ્રક્રિયા એટલે કે બંને સંતાન બીજનું મિલન પુરુષ અને સ્ત્રીના સમાગમથી પૂર્ણ થાય છે. સેક્સ ઉત્તેજના સમયે કડક થયેલા શિશ્નને સમાગમ દરમિયાન પુરુષ સ્ત્રીની યોનિમાં પ્રવેશ કરાવે છે અને જ્યારે તે ઓર્ગેઝમ પર પહોંચીને સ્ખલિત થાય છે ત્યારે તેના વીર્ય સાથે લાખો શુક્રાણુ સ્ત્રીની યોનીમાં પહોંચી જાય છે.
યોનીમાં પહોંચતાં જ શુક્રાણુ ઝડપથી પહેલાં ગર્ભાશય અને પછી તેને પાર કરી અંડવાહિનીમાં પહોંચી જાય છે, હજારો શુક્રાણુ અંડવાહિની સુધી પહોંચી જાય છે. ઘણા મજબૂત શુક્રાણુ તો પાંચ મિનિટમાં જ આ અંતર કાપી લે છે, પણ નિષ્ક્રિય શુક્રાણુ આ અંતર કાપવામાં ઘણો સમય લે છે.
કોઈ પણ સંજોગોમાં શુક્રાણુઓનું જીવનચક્ર ૪૮થી ૭૨ કલાકનું હોય છે, તેથી આ સમયગાળામાં જો સ્ત્રીમાં કોઈ અંડકોષ છૂટે તો તે તેને ફલિત કરવાનો પૂરો પ્રયત્ન કરે છે.
અંડકોશ સાથે શુક્રાણુનું આ મિલન મોટાભાગે કોઈ એક અંડવાહિનીની નલિકા બહાર પૂર્ણ થાય છે. બંનેના મિલનથી રચાયેલું આ જોડું પ્રતીક્ષામાં નજર ફેલાવી ગર્ભાશય બાજુ જાય છે. જેમાં ૩થી ૫ દિવસનો સમય લાગે છે અને તે દરમિયાન જોડું બે સમાન સેલમાં, પછી તેમાંથી દરેક ફરી બે સમાન સેલમાં આ રીતે ફરી-ફરી પુન:વિભાજન થતું જાય છે. દરેક વિભાજનમાં સેલની સંખ્યા બમણી થતી જાય છે. ગર્ભાશયમાં પહોંચવા સુધીમાં તે એક સેલનો સમૂહ બની જાય છે. ગર્ભધારણ આ રીતે શરૂ થાય છે.
ગર્ભાધાનની તપાસ માટે હોર્મોનલ ટેસ્ટ કરી શકાય છે. વિશ્વાસપાત્ર પરિણામ માટે આ તપાસ માસિકની 'ડેટ' વીતી ગયાને બે અઠવાડિયા પછી જ કરવી યોગ્ય છે. આ તપાસ ગર્ભવતી સ્ત્રીના પેશાબમાં હાજર ખાસ હોર્મોન, એચસીજીની ઉપસ્થિતિ પર નિર્ભર કરે છે. આ માટે ઘણા પ્રકારની તપાસ ચલણમાં છે. સૌથી સરળ રીત સવારમાં પેશાબનો પ્રથમ નમૂનો લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાનો છે. આ નમૂનો સ્વચ્છ શીશીમાં લેવો જોએ.
તમે ઇચ્છો તો આ તપાસ ઘરે બેઠા પણ કરી શકો છો. આ માટે કેમિસ્ટની દુકાન પર સેલ્ફ ટેસ્ટિંગ પ્રેગ્નન્સી કિટ મળે છે. આ કિટ લાવીને તેની પર આપેલી સૂચના પ્રમાણે તપાસ કરો. તેનાથી માત્ર થોડી મિનિટમાં જ પરિણામ મળી જાય છે.
માસિક અટકે તેના બે અઠવાડિયાં પછી તપાસ કરતાં જો ટેસ્ટ પોઝિટિવ આવે, તો તેનાથી પ્રેગ્નન્સિને લગભગ નિશ્ચિત સમર્થન મળી જાય છે. પોઝિટિવ ટેસ્ટ ૧૦૦માંથી ૯૯ વાર સાચો પડે છે. પરંતુ બીજી બાજુ, તપાસમાં નેગેટિવ આવે તો વિશ્વાસપૂર્વક ન કહી શકાય કે ગર્ભધારણ નથી થયો જો ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી પણ માસિક શરૂ ન થાય, તો એ અઠવાડિયા પછી ફરી તપાસ કરી શકાય છે. આ વખતે તપાસનું પરિણામ વધારે વિશ્વસનીય હશે.
- અનિતા