
મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવવા જઇ રહ્યુ છે. 8-9 એપ્રિલે અમદાવાદ શહેરમાં યોજાનારાં રાષ્ટ્રીય અધિવેશનની યજમાનીને લઇને ગુજરાત કોંગ્રેસના નેતા-કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ છે. 64 વર્ષ પછી ગુજરાત રાજ્યમાં AICCનું અધિવેશન મળી રહ્યું છે. છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે ત્યારે મૃતપાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા માટે હાઇકમાન્ડ સક્રિય થયુ છે.
ગુજરાતમાં અગાઉ યોજાયેલાં અધિવેશન
અખિલ ભારતીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન વર્ષ 1885માં મળ્યું હતું. વર્ષ 1938માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મુળિયા રોપવામાં આવ્યા હતા. ઐતિહાસિક હરીપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પાસ કર્યો હતો. ગુજરાતમાં છેલ્લે વર્ષ 1961 ભાવનગર ખાતે નીલમ સંજીવ રેડ્ડીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ હતું.
8 એપ્રિલે અમદાવાદ શહેરના શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે સવારે 11.30 કલાકે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક યોજાશે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યોના પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. સાંજે 5 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ,વર્કિંગ કમિટીના સભ્યો હાજર રહેશે. રાત્રે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. લોકનૃત્યો, દાંડીયા અને સંગીતમય કાર્યક્રમ થકી ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરાશે.
9 એપ્રિલે સાબરમતી તટ પર કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે જેમાં સમગ્ર દેશમાંથી 3 હજારથી વધુ ડેલીગેટ ઉપસ્થિત રહેશે. અધિવેશનની તૈયારીને જોતાં ગુજરાત કોંગ્રેસને નવી રાજકીય દિશા-માર્ગદર્શન આપવામાં આવશે.
30થી વધુ હોટલ બુક, રિવરફ્રન્ટ પર AC ડોમ તૈયાર કરાયો
રાષ્ટ્રીય અધિવેશનને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ આવી રહ્યાં છે જેના પગલે 30થી વધુ હોટલોમાં બે હજાર રૂમો બુક કરાયાં છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ ખાતે અધિવેશન યોજાવવાનું છે ત્યારે દોઢસો નેતાઓ બેસી શકે તેવા સ્ટેજ સાથે 3 હજાર લોકો સમાઇ જાય તેવો વિશાળ AC શામિયાણો બાંધવામાં આવ્યો છે.
ડેલિગેટોના સ્વાગત માટે એરપોર્ટથી સરદાર સ્મારક સુધી 15 નૃત્ય સ્ટેજ ઉભા કરાયા
એરપોર્ટથી સરદાર સ્મારક સુધી માર્ગો પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે જ્યાં લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. લોકનૃત્યો,દાંડીયા અને સંગીતમય કાર્યક્રમો દ્વારા ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરાશે. એરપોર્ટ પર 45 કલાકારો દાંડીયાની થીમ પર ડેલિગેટ્સનું સ્વાગત કરશે. આ ઉપરાંત ડેલિગેટ્સનું ગુજરાતની પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાશે.
અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની રૂપરેખા
8 એપ્રિલ, સવારે 11 કલાકે
કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક-સરદાર સ્મારક,શાહીબાગ
8 એપ્રિલ, સાંજે 5 કલાકે
પ્રાર્થના સભા, સાબરમતી આશ્રમ
8 એપ્રિલ, સાંજે 7.45 કલાકે
સાંસ્કૃતિક કાર્યક્રમ, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર
9 એપ્રિલ, સવારે 9 કલાકે
રાષ્ટ્રીય અધિવેશન-રિવરફ્રન્ટ, અમદાવાદ
ગુજરાતમાં અગાઉ યોજાયેલાં અધિવેશન
વર્ષ | અધિવેશન | અધ્યક્ષ સ્થાન |
1902 | અમદાવાદ | સુરેન્દ્રનાથ બેનર્જી |
1907 | સુરત | રાસબિહારી ઘોષ |
1921 | અમદાવાદ | હકીમ અજમલ ખાન |
1938 | હરીપુરા,સુરત | નેતાજી સુભાષચંદ્ર બોઝ |
1961 | ભાવનગર | નીલમસંજીવ રેડ્ડી |