
સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કે પી સંઘવી ડાયમંડ કંપનીના માલિક અને વેપારીઓ વચ્ચે રૂપિયાની લેવડદેવડને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપની સામે ધરણા પર બેઠા છે. વેપારીઓના પરિવારજનોએ કહ્યું કે, અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રીટર્નના કેસો પરત ખેંચવાની માગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા.
સ્થિતિ ખરાબ-વેપારી
વેપારી અલ્પેશભાઈએ કહ્યું કે, અમારે કંપનીને જે રૂપિયા ચૂકવવાના હતા તે માટે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે નક્કી કર્યા મુજબના જે પણ અમારી પાસે રૂપિયા હતા તે અમે આપી દીધા હતા. ત્યારબાદ હવે આ રૂપિયા લેવડ દેવડનો કોઈ પ્રશ્ન રહેતો ન હતો છતાં પણ અમે જે કંપનીને સિક્યુરિટી માટેના ચેક આપ્યા હતા તેને કંપની દ્વારા બેંકમાં નાખી દઈને અમારા ઉપર ચેક રિટર્નના કેસ કરી દેવામાં આવ્યા છે. અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમારી પાસે કોઈ મૂડી પણ નથી.
કંપનીએ વિચારવું જોઈએ
વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે,વેપારીઓ દ્વારા કંપની સાથે દલાલ હસ્તક વેપાર કરવામાં આવ્યો હતો, પરંતુ છ વર્ષ પહેલા વેપારમાં નુકસાન થયું હતું. જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને પંચ બોલાવવામાં આવ્યું હતું. પંચની સામે વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને 50% જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું.વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે ત્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે અહીં ધરણા પર બેઠા છે ત્યારે હું માત્ર એમને સહાનુભૂતિ આપવા માટે એમને અહીં મળવા માટે આવ્યો છું.