
વડોદરા સહિત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્મોતની સંખ્યામાં એકાએક વધારો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત જાનહાનિ પણ થઈ રહી છે. વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ પર શેરપુરા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલક ડમ્પર નીચે આવી જતા કમકમાટીભર્યું મોત થયું હતું.
બનાવની વિગત એવી છે કે, વડોદરાના સાવલી-હાલોલ રોડ પર આવેલા ખોબા જેવડાં શેરપુરા ગામ પાસે હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂરઝડપે આવી રહેલા ડમ્પરની નીચે અચાનક બાઈકચાલક આવી જતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવ બાદ ઘટનાસ્થળેથી ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થયા હતા. મૃતક શૈલેષભાઈ રામજીભાઈ વસાવા હતા જે બાઈક લઈ સાવલી લોનના હપ્તા જમા કરવા જઈ રહ્યા હતા. સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક શૈલેષભાઈના મૃતદેહને પી.એમ. માટે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.