Home / GSTV શતરંગ : 'You can't get anything without a good story, without a good story'

GSTV શતરંગ / 'બિનાનયન પાવે નહીં,બિના નયનકી બાત'

GSTV શતરંગ / 'બિનાનયન પાવે નહીં,બિના નયનકી બાત'

- અન્તર્યાત્રા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- જ્યાં સુધી આપણાં તમામ આંતરિક પડળો ખુલે નહીં, ત્યાં સુધીનું તમામ દર્શન 'ખંડ-દર્શન' રહે છે.

વિજ્ઞાન અને બુદ્ધિવાદના વંટોળે અનેક નુકશાનો પહોંચાડયા તેમાંથી એક મોટો અભિશાપ અંતર્દષ્ટિના અંધાપાનો છે. મને સમજાય તો જ સાચું એવો હઠાગ્રહ રાખનાર માણસ પોતાની બુદ્ધિમત્તા પર મુસ્તાક ભલે હોય, પણ એક સત્ય એ ભૂલી જતો હોય છે કે વ્યક્તિની સમજશક્તિના જુદા જુદા સ્તર હોય છે. કઈ વ્યક્તિની સમજના કેટલા સ્તર ખીલેલા છે, તેના પર તેની સમજનાં ઊંડાણનો આધાર છે.

ઓશો માણસનાં વ્યક્તિત્વને સાત માળનાં મકાન સાથે સરખાવે છે, એવું મકાન છે, જેના કેટલાક માળ જમીનની નીચે છે, ને કેટલાક જમીનની ઉપર છે. બહુ ઓછાને આપણાં વ્યક્તિત્વની અંદરના માળની ખબર હોય છે.

જીવનમાં મોટાભાગે આપણે સ્થૂળ સમજથી ચલાવી લઈએ છીએ. માત્ર આંખ-કાન - નાક નહીં,બુદ્ધિ અને લાગણીનો પણ ઉપરના સ્તરની, સપાટીની સમજમાં સમાવેશ થાય છે. જ્યાં સુધી આપણાં તમામ આંતરિક પડળો ખુલે નહીં, ત્યાં સુધીનું તમામ દર્શન 'ખંડ-દર્શન' રહે છે.

રેઇનર મારિયા રિલ્કેએ ઉત્કટક્ષણોમાં પરમેશ્વર પાસે અંદરની આંખો, અંદરની સમજ માટેનો તલસાટ વ્યક્ત કર્યો છે.

'ઠારી દે તું દીપ નયનના,

તવ દર્શનને કાજ,

મને એ કાચ નથી કંઈ ખપના.'

(અનુવાદઃ હરીન્દ્ર દવે)

નોંધનીય વાત એ છે કે સમજનો સંવાદ પણ સમજશક્તિના સમાનસ્તર ધરાવનારા વચ્ચે જ રચાતો હોય છે. આધ્યાત્મિક સમજના વિષયમાં આ હકીકત જેટલી લાગૂ પડે છે, એટલી જ વ્યવહારૂ જીવનમાં પણ લાગૂ પડે છે. કહે છે, કબીરને મળવા માટે દૂર-સુદૂરથી કોઈ સંત પધાર્યા. કેટલાક અંતેવાસીઓને થયું કે હવે બે મહાન સંતો મળ્યા છે, તો મોટી ચર્ચાઓનો આનંદ માણીશું.

પરંતુ બન્યું સાવ જૂદું !

કબીર અને પેલા સંતે ભાગ્યે જ કશી વાત કરી.

બંનેની આંખો માંથી અવર્ણનીય આનંદનાં અશ્રુ વહી રહ્યાં હતાં. સંત તો કબીર સાથે થોડો સમય રહ્યા, અને પછી પોતાને રસ્તે ચાલી નીકળ્યા. અંતેવાસીઓને આ મૌન-મિલનનું ભારે આશ્ચર્ય થયું.

પણ, હકીકત એ હતી કે બંને સમાનસ્તરના સંતોની સમજનો સેતુ વાણીની પેલે પાર હતો. સુરેશ દલાલ કહે છે તેમ : 'શબ્દોમાં હૈયાંને ખોલવાનું શું ?'

પ્રભુનાં પૂર્ણદર્શન માટે ઝંખના વ્યક્ત કરતા અર્જુનને પ્રભુએ એટલે જ તો દિવ્યચક્ષુ આપ્યાં. પારલૌકિકને જોવા પારલૌકિક સ્તરની આંખો જોઈએ.

दिव्यं ददांमि ते चक्षुं

पश्य मे योगमैश्वरम्

- ડો.સર્વેશ પ્ર. વોરા

Related News

Icon