
કડી અને વિસાવદરની બેઠકો ખાલી પડી છે. રાજ્ય ચૂંટણી પંચ આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજવા તૈયારી કરી રહ્યુ છે. તા. 10મી મે સુધીમાં વિસાવદર અને કડી બેઠક માટે પેટાચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. જોકે, પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ તો ઉમેદવાર જાહેર કરી પ્રચાર સુદ્ધાં કરવાનું શરૂ કરી દીઘુ છે.
આપ-કોંગ્રેસની લડાઇમાં ભાજપ જ ફાવશે, બંને બેઠકો જીતે તો ધારાસભ્યોની સંખ્યા 164 થશે
વિસાવદરમાં આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષપલટો કરતાં બેઠક ખાલી પડી છે જ્યારે કડીમાં વર્તમાન ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં બેઠક ખાલી પડી છે. આ વખતે કોંગ્રેસે આપ સાથે ગઠબંધન નહી કરવા નક્કી કર્યુ છે. આ જોતાં આપે ગોપાલ ઇટાલિયાને ટીકીટ આપી છે જ્યારે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારવા મક્કમ છે આમ, વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે. આ સંજોગોમાં કોંગ્રેસ-આપની રાજકીય લડાઇમાં મતોનું વિભાજન થવુ નક્કી છે જેથી ભાજપ જ ફાવી જશે.
વર્ષ 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે ત્યારે રાજક્ીય દ્રષ્ટિએ બંને બેઠકો જીતવી ભાજપ માટે જરૂરી છે. જો કડી અને વિસાવદર બેઠક જીતી જાય તો વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યા બળ વધીને 164 થઇ જશે. હાલ ગુજરાતમાં એન્ટી ઇન્કમબન્સીનો માહોલ જરૂર છે પણ તે સરકાર-ભાજપને નુકશાન પહોંચી શકે તેમ નથી. તેમાં ય હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ભાજપને લાભ પહોંચાડી શકે છે. સૂત્રોન મતે, કડી-વિસાવદરની પેટાચૂંટણી માટે મૂરતિયો શોધવા કોંગ્રેસ-ભાજપે અંદરખાને તૈયારીઓ શરૂ કરી છે.