
મેરઠમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં મુસ્કાન અને સાહિલની જેમ પતિની હત્યા કર્યા પછી પોતાને બચાવવા માટે એક ભયાનક કાવતરું રચ્યું હતું. આ હત્યાની ઘટનામાં વાદળી ડ્રમને બદલે ઝેરીલો સાપ ખરીદવામાં આવ્યો. પતિની હત્યા કર્યા પછી પત્ની રવિતાએ સાપને પલંગ પર છોડી દીધો. પાછળથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેના પતિને ઊંઘમાં સાપે 10 વાર ડંશ દેતા મોત થયું હતું. પરંતુ જ્યારે આ યુવાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે આખી ઘટનામાં ભાંડો ફૂટ્યો હતો.
લોકોએ માની લીધું કે અમિતને સાપે કરડ્યો
મેરઠના બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના અકબરપુર સદાત ગામના રહેવાસી અમિતની તેની પત્નીએ જ હત્યા કરી હતી. અમિત એક સરળ, મહેનતુ અને મજૂરી કામ કરતો હતો. તે રોજની જેમ રાત્રે કામ પરથી પાછા આવ્યા પછી જમીને પલંગ પર સૂઈ ગયો. પરંતુ સવારે તે ઉઠ્યો નહીં. પલંગમાં તેની જોડે જીવતો સાપ પડ્યો હતો. લોકોએ માની લીધું કે અમિતને સાપે કરડ્યો છે અને તે મરી ગયો છે. ગામમાં હોબાળો મચી ગયો.
આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે એક સાપ ખાટલા પર છે અને અમિતને કરડી રહ્યો છે. પરિવારના સભ્યો પણ આઘાતમાં હતા. બધાએ માની લીધું હતું કે અમિતનું મૃત્યુ સાપના કરડવાથી થયું છે.
પોસ્ટમોર્ટમમાં સત્ય બહાર આવ્યું
જ્યારે અમિતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તે ખૂબ જ ચોંકાવનારો હતો. ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું કે, અમિતનું મૃત્યુ સાપના ડંખથી નહીં પણ ગળું દબાવવાથી થયું હતું. આ સાંભળીને પોલીસ સતર્ક થઈ ગઈ. પોલીસે તપાસ કરતાં જેને અત્યાર સુધી અકસ્માત માનવામાં આવતો હતો, તે એક સુનિયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું.પોલીસે તપાસમાં શંકાની સોય સીધી અમિતની પત્ની રવિતા પર ગઈ.
પ્રેમ સંબંધમાં અમિત અડચણરૂપ બન્યો
પોલીસે રવિતાની કડકાઈથી પૂછપરછ કરી સાથે ગામના વધુ બે યુવાનોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જે બાબતો સામે આવી તે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નહોતી. રવિતાને તેના જ ગામના એક યુવક સાથે ગેરકાયદેસર સંબંધ હતો. બંને વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધમાં અમિત અડચણ બની ગયો હતો. એટલે રવિતા અને તેના પ્રેમીએ મળીને અમિતને ખતમ કરવા માટે હત્યાનો આખો પ્લાન તૈયાર કર્યો હતો.
પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો
પોલીસને જાણવા મળ્યું કે હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા માટે રવિતા અને તેના પ્રેમીએ બજારમાંથી એક જીવતો સાપ ખરીદ્યો અને પછી રાત્રે અમિતનું ગળું દબાવીને હત્યા કરી દીધી. આ પછી તેના મૃતદેહ નીચે સાપ મૂકી દીધો. જેથી બધાને એવું જ લાગ્યું કે તેનું મૃત્યુ સાપના કરડવાથી થયું છે. આ ઉપરાંત આ ઘટનાને સાચી બતાવવા સોશિયલ મીડિયા પર વિડિયો બનાવીને વાયરલ કરાયો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે ગુનેગારોની ચાલાકી નિષ્ફળ બનાવી દીધી. પોલીસે રવિતા અને તેના પ્રેમીની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.