
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફવોરની ભારતીય શેરમાર્કેટ પર મોટી અસર પડી છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અંદાજ મુજબ ભારતના એવા ક્ષેત્રોમાં ખરાબ અસર જોવા મળશે જે સંપૂર્ણ રીતે નિકાસ પર નિર્ભર છે. આ ક્ષેત્રોમાં 7.6 અબજ ડોલરનો મોટો ઘટાડો નોંધાશે. નિકાસમાં આવો મોટો ઘટાડો થાય તો તેની ભારતીય અર્થતંત્ર પર પણ ઊંડી અસર પડશે. આવી પરિસ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ટેરિફ અંગે વાટાઘાટો કરવી જરૂરી છે. નિષ્ણાંતોના મતે ભારતના કેટલાક ક્ષેત્રોને ટેરિફ વોરથી મર્યાદિત લાભ મળશે, પરંતુ એકંદરે તેની ભારતના અર્થતંત્ર પર નકારાત્મક અસર વધુ જોવા મળશે. નવા ટેરિફ નિયમોને લીધે મોટાભાગના ઉત્પાદનોની નિકાસ ઘટતા અર્થતંત્રને ભારે નુકસાન થશે.
ભારતીય ઉત્પાદનો પર 26 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવશે
ટ્રમ્પ પ્રશાસને નિર્ણય લીધો છે કે 9 એપ્રિલથી ભારતીય ઉત્પાદનો પર 26 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવશે. આ નિર્ણય ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને કેટલાક ઉર્જા ઉત્પાદનો સિવાયના બધા પર લાગુ થશે. ૫થી ૮ એપ્રિલ સુધી ૧૦ ટકાનો બેઝલાઇન ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો અભ્યાસ કર્યા બાદ GTRI એ દાવો કર્યો છે કે, ૨૦૨૫માં અમેરિકામાં ભારતીય ઉત્પાદનોની નિકાસ ૬.૪૧ ટકા ઘટી શકે છે. ભારતે ૨૦૨૪માં અમેરિકામાં ૮૯.૮૧ અબજ ડોલરની પ્રોડક્ટ નિકાસ કરી હતી. આમાં થોડો પણ ઘટાડો ભારતીય અર્થતંત્રને બગાડી શકે છે. કારણકે ભારતમાંથી થતી નિકાસમાં મોટો હિસ્સો અમેરિકાનો છે.
આ વસ્તુઓની નિકાસ ઘટશે
મત્સ્ય અને અન્ય ફ્રોઝન મીટની નિકાસમાં 20 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત લોખંડ અને સ્ટીલની નિકાસમાં 18 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. સોનાના ઘરેણાં અને હીરાની નિકાસમાં પણ ૧૫.૩ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.
વધુ કમાણી કરતા પ્રીમિયમ વ્યવસાયોની નિકાસ ઘટશે
ટેરિફ વોરમાં લાખો લોકોને ઉચ્ચ આવક પૂરી પાડતા પ્રીમિયમ વ્યવસાયોની નિકાસ ઘટશે. જેની સીધી અસર રોજગાર પર પડશે. અર્થતંત્રને પણ અસર પહોંચશે. ભારતીય ઉદ્યોગપતિઓ સતત સરકારને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વાતચીત કરવા અપીલ કરી રહ્યા છે જેથી ટેરિફ પર થોડી રાહત મળી શકે. વાહનો અને ઓટો પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ અને ઇલેક્ટ્રિકલ ઉત્પાદનોની નિકાસમાં પણ 12 ટકા સુધીનો ઘટાડો થવાની ધારણા છે. આ ઉપરાંત પ્લાસ્ટિક, પેટ્રોલિયમ ઉત્પાદનો, કાર્પેટ અને ઓર્ગેનિક રસાયણો જેવી વસ્તુઓ પર પણ અસર થવાની આશંકા છે. જોકે, ભારતને કેટલાક ક્ષેત્રોમાં મોસ્ટ ફેવર્ડ નેશન હોવાનો લાભ મળી શકે છે.