અભિનેત્રી શ્રીલીલા ફરી એકવાર સમાચારમાં આવી છે, એક ઉત્સાહી ફેન દ્વારા તેને બળજબરીથી ભીડમાં ખેંચી લેવામાં આવી હતી. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં, શ્રીલીલા અને કાર્તિક આર્યન તેમની ટીમ સાથે ચાલતા જોઈ શકાય છે, જ્યારે એક ફેન અચાનક તેનો હાથ પકડીને તેને ભીડમાં ખેંચી જાય છે, જેનાથી તે ખૂબ જ ચોંકી જાય છે. જોકે, ઈન્ટરનેટ પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કોઈ ફિલ્મનો સીન હોઈ શકે છે.
આ દરમિયાન કાર્તિક આર્યન આગળ જતો જોવા મળે છે. જ્યારે કાર્તિકનું ધ્યાન નહતું, ત્યારે સુરક્ષાએ ઝડપથી તેને ભીડમાં વધુ ખેંચવાથી રોકી લીધી. આ વીડિયો પાપારાઝી દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
જ્યારે ફેન્સ તે વ્યક્તિ પર ગુસ્સે થઈ રહ્યા છે, ત્યારે કેટલાક એવું પણ કહી રહ્યા છે કે આ કોઈ શૂટિંગ હોઈ શકે છે. એક રેડિટ યુઝરે લખ્યું, "હું ખૂબ મૂંઝવણમાં છું, શું આ સીનનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે કે શું કોઈએ સાચે આવું કર્યું છે?." કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે આ ફિલ્મનો એક સીન છે જેનું તેઓ હાલમાં દિગ્દર્શક અનુરાગ બાસુ સાથે શૂટિંગ કરી રહ્યા છે.
કાર્તિક આર્યન અને શ્રીલીલા તેમની આગામી ફિલ્મનું શૂટિંગ ગંગટોક અને દાર્જિલિંગમાં કરી રહ્યા છે. 28 માર્ચે, કાર્તિકે દાર્જિલિંગના સિલિગુડીના ચાના બગીચામાં લીધેલો એક ફોટો શેર કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું હતું, "તુ મેરી જિંદગી હૈ".
આ અનટાઈટલ્ડ ફિલ્મ ભૂષણ કુમારની ટી-સીરીઝ દ્વારા બનાવવામાં આવી છે. શરૂઆતમાં તેની જાહેરાત 'આશિકી 3' તરીકે કરવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મના નિર્માણમાં વિક્રમ ભટ્ટ સાથે ટાઈટલ વોર થઈ ગઈ, વિક્રમેં આશિકી ફ્રેન્ચાઈઝ માટે ટાઈટલની માલિકીનો દાવો કર્યો હતો. જોકે, ભૂષણ કુમાર ફિલ્મના આઈકોનિક મ્યુઝિકનો ઉપયોગ કરી રહ્યો છે, કારણ કે આશિકીના મ્યુઝિક રાઈટ્સ ટી-સીરીઝ પાસે છે.