
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે શનિવારે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ થકી પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે. RJD સુપ્રીમો લાલુપ્રસાદના પુત્ર તેજ પ્રતાપે જણાવ્યું કે, તે છેલ્લા 12 વર્ષથી અનુષ્કા યાદવ નામની મહિલા સાથે રિલેશનશિપમાં છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેજ પ્રતાપ યાદવે પહેલા ફેસબુક પર આ સંબંધોની જાણ કરતી પોસ્ટ કરી અને પછી તુરંત ડિલીટ કરી દીધી. અને વળી પાછું થોડા સમયમાં એજ ફોટો અને કેપ્શન સાથે ફરીથી પોસ્ટ કરી છે.
લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપે પોતાની પોસ્ટમાં લખ્યું, 'હું તેજ પ્રતાપ યાદવ છું અને મારી સાથે આ તસવીરમાં દેખાતી છોકરી અનુષ્કા યાદવ છે.' અમે બંને છેલ્લા 12 વર્ષથી એકબીજાના પ્રેમમાં છીએ. હું ઘણા સમયથી કહેવા માંગતો હતો પરંતુ મને સમજાતું નહોતું કે કેવી રીતે કહેવું. તો આજે આ પોસ્ટ થકી હું મારા દિલની લાગણીઓ તમારી સાથે શેર કરું છું. મને આશા છે કે તમે બધા મારી વાત સમજશો.
માલદીવમાં સમય વિતાવી રહ્યા છે તેજ પ્રતાપ યાદવ
તેજ પ્રતાપ યાદવ હાલમાં વિદેશ પ્રવાસે છે. માલદીવમાં સમય વિતાવી રહ્યા છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બીચ પર ધ્યાન કરતો એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.