
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના સિવાન શહેરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે પ્રજાને સંબોધન કરી રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, આરજેડીએ બાબા સાહેબ સાથે કેવો વ્યવહાર કર્યો, તે તમામે જોયો છે. આરજેડીના લોકો બાબા સાહેબની તસવીર પગમાં રાખે છે. બિહારના લોકો આ અપમાનને ક્યારેય ભૂલી નહીં શકે.
વડાપ્રધાન મોદીએ આંબેડકરનું અપમાન કરવાના વિવાદ મુદ્દે લાલુ યાદવ (Lalu Prasad Yadav) પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘તમામ લોકોએ જોયું કે, આરજેડીએ બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર (Babasaheb Dr. Bhimrao Ambedkar) સાથે કેવો વ્યવહાર કર્યો. તેમની તસવીરોને પગમાં રાખવામાં આવી, જે હડહડતું અપમાન છે. આરજેડી દલિતો અને પછાત વર્ગના નામે રાજકારણ રમે છે, જ્યારે સન્માનની વાત આવે છે, ત્યારે બાબાસાહેબને પણ છોડતા નથી. આરજેડીના લોકો બાબા સાહેબી તસવીર પગમાં રાખે છે, તો મોદી તેમની તસવીરને દિલમાં રાખે છે.’
https://twitter.com/PTI_News/status/1935987241211559943
બાબા સાહેબના અપમાનનો વિવાદ શું હતો?
વાસ્તવમાં 11 જૂન-2025ના રોજ લાલુ પ્રસાદ યાદવના જન્મ દિવસે કાર્યક્રમ રખાયો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં આરજેડી પાર્ટીનો એક કાર્યકર્તા ડૉ.ભીમરાવ આંબેડકરની તસવીર લાલુ યાદવના પગ પાસે રાખતો જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ રાજકીય વિવાદ ઉભો થયો હતો અને ભાજપ સહિત પક્ષોએ આરજેડી પર આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં અનુસૂચિત જાતિ આયોગે લાલુ યાદવને નોટિસ પણ મોકલી હતી, જેમાં 15 દિવસની અંદર સ્પષ્ટ જવાબ મંગાયો હતો. જો જવાબ ન આપે તો ફરિયાદ નોંધાવવાની ચેતવણી અપાઈ હતી.