
મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત ફરી એકવાર તેજ થઈ ગઈ છે અને આ દરમિયાન NDAના ધારાસભ્યોએ રાજ્યભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના મુખ્યમંત્રી એન.બિરેન સિંહના રાજીનામા બાદથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
કયા કયા પક્ષોએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત
ભાજપની આગેવાની હેઠળના NDA ના 10 ધારાસભ્યો સરકાર રચવાના દાવા સાથે ઇમ્ફાલના રાજ્યભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ 10 ધારાસભ્યોમાં ભાજપના 8, NPP ના 1 અને 1 અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થતો હતો.
https://twitter.com/MeghUpdates/status/1927620413577650659
અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો
અગાઉ, 21 ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પૂર્વોત્તર રાજ્યોમાં શાંતિ અને સામાન્યતા સુનિશ્ચિત કરવા માટે 'લોકપ્રિય સરકાર' બનાવવાનો આગ્રહ કર્યો હતો. પત્ર પર 13 ભાજપ, 3 NPP ના અને બે અપક્ષ સભ્યોએ સહી કરી હતી. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળીને સરકાર રચવાનો દાવો કરવા આવેલા ધારાસભ્યોએ 44 ધારાસભ્યોના સમર્થન વિશે વાત કરી છે.
મણિપુરમાં કુલ 60 બેઠકો
ઉલ્લેખનીય છે કે મણિપુર વિધાનસભામાં કુલ 60 બેઠકો છે અને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 31 છે. રાજ્યપાલને મળ્યા બાદ, ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામે કહ્યું કે કોંગ્રેસ સિવાય 44 ધારાસભ્યો મણિપુરમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંતે કહ્યું કે અમે રાજ્યપાલને એક પત્ર આપ્યો છે, જેના પર 22 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. NDAના બધા ધારાસભ્યો મણિપુરમાં સરકાર બનાવવા માંગે છે.