
ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાંથી નશાનો કાળો કારોબાર ઝડપાયો છે. ઓખામાંથી ગેરકાયદેસર રીતે કોલ્ડડ્રિંકની આડમાં નશાકારક શિરપ બનાવતી ફેકટરી ઝડપાઈ છે. દ્વારકા જિલ્લાના ત્રણ યુવકો દ્વારા ગેરકાયદેસર રીતે ઠંડા પીણાની આડમાં નશાનો કાળો કારોબાર ચલાવાતો હોવાનો ચકચારી ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં કોઈપણ જાતના પરવાના વગર આલ્કોહોલ ડ્રિંક બનાવીને આરોપીઓ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.
ઓખા શહેરના મીઠાપુર વિસ્તારમાં જિયાન્સ એન્ડ ગુરુદેવ કોલ્ડ્રિંકના નામે આરોપીઓ ગેરકાયદેસર ફેકટરી બનાવીને વેચાણ કરતા હતા. જો કે પોલીસે દરોડા પાડીને સઘન પૂછપરછ અને તપાસ કરતા ચકચારી ખુલાસા પણ થયા હતા. જેમાં આ ફેકટરી કોઈપણ જાતના પરવાના વગર ચાલી રહી હતી. તેમજ આલ્કોહોલિક ડ્રિંક બનાવીને આરોપીઓ બેફામ વેચાણ કરતા હતા. ઓખા પોલીસે એક આરોપીન આલ્કોહોલિક 660 બોટલ જેની કિંમત 36600 સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી કેતન જટણિયા રહેવાસી મીઠાપુરને ઝડપી વધુ 2 આરોપી કપિલ ઠાકોર અને નીરજ જટણિયાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તો આ ગેરકાયદેસર કૃત્યમાં અન્ય કોણ કોણ સામેલ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.