
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં બે સફળ અંગદાન થયા છે. સુરતના બમરોલીના શર્મા અને નર્મદાના વસાવા પરિવારે બ્રેઈનડેડ સ્વજનોનું અંગદાન કરી માનવતા મહેંકાવી છે. મૂળ બિહારના અને હાલ સુરત શહેરના બમરોલીમાં રહેતા બ્રેઈનડેડ ૩૬ વર્ષીય મૃત્યુંજય શર્માની બે કિડની અને લીવર તેમજ મૂળ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ભુતબેડા ગામના વતની અને હાલ સુરતના સચિન પાસે વાંઝ ગામમાં રહેતા ૨૩ વર્ષીય સંજયભાઈ મોયલાભાઈ વસાવાની બે કિડનીનું અંગદાન થતા કુલ પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
અકસ્માતે બ્રેઈનડેડ થયા
મૃત્યુંજય શર્માએ સાચા અર્થમાં મૃત્યુને જીત્યું છે. અંગદાનથી અન્યના દેહમાં વસી સુરતના મૃત્યુંજય શર્મા અમર રહેશે. આદિવાસી સમાજના સંજય વસાવાના પરિવારે પણ અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના હાસપુરા તાલુકાના ડુમરા ગામના વતની અને હાલ બમરોલીની તુલસીદાસ સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય મૃત્યુંજય રામતુકાર શર્મા પાંડેસરાની મારૂતિ ફેક્ટરીમાં કામ કરતા હતા. તા.૨૪મીએ મૃત્યુંજય અકસ્માતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર હાલતમાં તુરંત નજીકની નિર્મલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં તબીબને હાલત ગંભીર જણાતા તેમની સલાહથી સવારે ૧૧.૦૫ વાગ્યે ૧૦૮ ઇમરજન્સીમાં સુરત નવી સિવિલમાં દાખલ કરાયા હતા. ઇમરજન્સીમાંથી S.I.C.U. માં શિફટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
માલસામાન ઉતારવાનું કામ કરતા
શ્રમિક સંજયભાઈ ટેમ્પામાં માલસામાન ઉતારવાનું કામ કરતા હતા. તેઓ તા.૨૨મીએ ૨.૦૦ વાગ્યે મિત્ર સાથે બાઈકમાં સચિન જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થતા માથામાં ગંભીર ઈજા થતા ૧૦૮ ઈમરજન્સી દ્વારા નવી સિવિલમાં S.I.C.U. માં દાખલ કર્યા હતા. આર.એમ.ઓ.ડૉ.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ), ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિ દ્વારા બ્રેઈન ડેડ દ્વારા મૃત્યુંજયને તા.૨૭મીએ બપોરે ૧૨.૪૧ વાગ્યે તેમજ સંજયને તા.૨૮મીએ બપોરે ૧.૧૫ વાગ્યે બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.
અંગદાનનું મહત્વ સમજાવાયું
શર્મા અને વસાવા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ. મૃત્યુંજયના પત્ની નીરાબેન અને પુત્ર આયુષ, પુત્રી રોશનીએ જ્યારે સ્વ.સંજય વસાવાના માતા ઉર્મિલાબેન, ત્રણ બહેનો કવિતા, સુનિતા અને દક્ષા વસાવાએ સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી.
અંગો અમદાવાદ ગાંધીનગર મોકલાયા
સ્વ.મૃત્યુંજયની બે કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં અને સ્વ.સંજયની બે કિડની એપોલો હોસ્પિટલ-ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા. સ્વ.સંજયની પ્રાર્થના સભામાં ડો.નિલેશ કાછડીયા, RMO ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, એપોલો હોસ્પિટલના તબીબો, નવી સિવિલનો સ્ટાફ અને સ્વ.સંજયના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.