સુરતના પલસાણાના જોળવા ગામના વિકાસ માટે કોઇએ ભિખારીનો વેશ ધારણ કર્યો હોય એવી ઘટના ભાગ્યે જ જોવા મળે, પણ આવી જ એક અસામાન્ય ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પલસાણા તાલુકાના ઝોળવા ગામે રહેતા યુવાન સુજીતે ગ્રામપંચાયત સામે તંત્રના ભેદભાવના વિરોધમાં ભિખારીનો વેશ ધારણ કરીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો.
પંચાયત દ્વારા કામો ટાળવામાં આવે છે
સુજીત ફાટેલા કપડાંમાં, ભિક્ષુકની જેમ ભાત લેતા વેશમાં પંચાયત કાર્યાલય સામે બેઠો રહ્યો. તેનું કહેવું હતું કે, ગામના પરપ્રાંતીય વિસ્તારોમાં પંચાયત વિકાસના કામોમાં ઇચ્છાપૂર્વક અવગણના કરે છે અને સ્થાનિકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. સુજીતે દાવો કર્યો કે, કેટલીક વાડીઓ કે વસાહતોમાં રોડ, નાળાં કે વીજળી જેવા મૂળભૂત વિકાસ કામો પંચાયત દ્વારા ટાળવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો સતત તકલીફો ભોગવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.
વિરોધની અનોખી પદ્ધતિ
સુજીતના વિરોધને અનેક સ્થાનિક રહીશોનું પણ સમર્થન મળ્યું હતું. લોકો કહે છે કે આ શાંતિપૂર્ણ અને સર્જનાત્મક વિરોધથી તંત્રની આંખે ખુલશે અને જમીન પર વિકાસના કામો અમલમાં આવશે. આ ઘટનાને લઈને તંત્ર તરફથી હજુ કોઈ સ્પષ્ટ જવાબ મળી નથી. જો કે, સ્થાનિક સ્તરે આ અનોખો વિરોધ ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રામજનો હવે નિવેદન આપવા માંગે છે કે ક્યારે તેમની વસાહતમાં પણ વિકાસની કીરણ ઝળહળશે.