
તંત્રની લાપરવાહીના લીધે સુરતના લાખો લોકો ખાડીપૂરથી હેરાન થઈ રહ્યાં છે, ત્યારે હવે સુરતીઓના માથે તાપી પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. હજું તો ચોમાસાની સિઝનની શરૂઆત છે ત્યારે જ ખાડીપૂરે શહેરમાં તબાહી સર્જી છે, ત્યારે હવે નવી ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
પાતળિયા હનુમાન મંદિરના કિનારે ભંગાણ
તાપી છલકાય ત્યારે પૂરના પાણીથી શહેરનું રક્ષણ કરતા પાળા તાપી નદીના કિનારે બનાવવામાં આવ્યા છે, પરંતુ સુરત મહાનગર પાલિકાની સૌથી નજીક આઈપી મિશન સ્કૂલની પાછળ પાતળિયા હનુમાન મંદિરના કિનારા પરનો પાળામાં ભંગાણ પડ્યું છે. ચોક્કસ ભાગમાં પાળો આપમેળે તૂટ્યો છે કે પછી કોઈ ત્રાહિત ઈસમોએ તોડી પાડ્યો તે હકીકત હજુ બહાર આવી નથી, પરંતુ તંત્ર પાળામાં ભંગાણ પડ્યું તે બાબતથી અજાણ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. કારણ કે ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં હજુ સુધી પાળાની મરમમ્ત કરવા માટેની કોઈ કામગીરી શરૂ થઈ નથી.
એડવોકેટે ઉજાગર કર્યુ
આ સમગ્ર બાબત શહેરના જાગૃત એડવોકેટ ઝમીર શેખે ઉજાગર કરી છે. ઝમીર શેખે તૂટેલા પાળાનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા સાથે આ બાબતે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ અને કલેક્ટરને લીગલ અને સ્ટેટ્યુરી નોટિસ મોકલીને ચિંતા વ્યક્ત કરી છે. ઝમીર શેખે નોટિસમાં લખ્યું છે કે, સુરત મહાનગરપાલીકાની સેન્ટ્રલ ઝોન કચેરીથી આઈ.પી. મિશન સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર પાતાળીયા હનુમાનજી મંદિર પાસે તાપી નદી કિનારે આવેલ પાળાને નુકસાન પહોંચાડી તોડી પાડવામાં આવેલ છે. જો સુરત શહેરમાં પૂરની સ્થિતિ ઉભી થાય અથવા તો ઉપરવાસમાંથી પાણીનો ઈનફલો વધે તો શહેરમાં પાણી પ્રવેશી જાય અને મોટી હોનારત સર્જાય, તેથી તોડી નાંખેલ પાળાને તાત્કાલીક ધોરણે મરામત કરાવવામાં આવે.
પાળાની સ્થિતિ સામે આવી
પાળાની સ્થિતિ દર્શાવે છે કે સુરતના કલેક્ટર અને મનપા કચેરીના અધિકારીઓ પણ નેતાઓની જેમ માત્ર મોટા દાવા કરવામાં જ માહિર છે. ગ્રાઉન્ડ લેવલ પરની કામગીરીમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. શહેરમાં વરસાદ વરસતા ડ્રેનેજ લાઈનો ઉભરાઈ અને જિલ્લામાં વરસાદ પડ્યો તો શહેરમાં ખાડીપૂર આવ્યું અને હવે શહેરીજનોના માથે તાપી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.