
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે. નવસારીના તાલુકાના બ્રેઈનડેડ થયેલા ૨૯ વર્ષીય આકાશ રાઠોડનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે ૭૧મુ અંગદાન થયું છે.
બાઈક સાથે ગાય અથડાતા થઈ હતી ઈજા
નવસારીના સુંદરપુર ધામ ફળિયામાં રહેતા ભગુભાઈ રાઠોડના પુત્ર આકાશભાઈ તા.૩૦મી જૂને નવસારીમાં બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે ગાય સાથે બાઈક અથડાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. ૧૦૮ દ્વારા નવસારીની એમ.જી.જી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. સ્થિતિ ગંભીર હોવાથી અહીંના તબીબોની સલાહથી ૧૦૮ ઈમરજન્સી દ્વારા તા.૩૦મીએ રાત્રે ૧૧.૩૦ વાગ્યે સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ અને ત્યારબાદ SICU માં શિફ્ટ કરવામાં આવ્યા.
કિડની લીવર અમદાવાદ મોકલાયા
તા.૫મી જુલાઈએ વહેલી સવારે ડો.લક્ષ્મણ ટેહલાની, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ આકાશને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ રાઠોડ પરિવારને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. સ્વ.આકાશના પિતા ભગુભાઈ, માતા કમુબેન, ભાઈ લાલુભાઈએ સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. બે કિડની અને લીવર અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.