Home / India : Son becomes lawyer fights father case in High Court

વકીલ બની પુત્રએ હાઇકોર્ટમાં લડ્યો પિતાનો કેસ, 11 વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલની મળી નોકરી 

વકીલ બની પુત્રએ હાઇકોર્ટમાં લડ્યો પિતાનો કેસ, 11 વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલની મળી નોકરી 

કહેવાય છે કે ન્યાયનો માર્ગ ચોક્કસપણે લાંબો અને મુશ્કેલ હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ એ માર્ગ પર દૃઢ નિશ્ચયથી ચાલે તો આખરે તે પોતાની મંઝિલે પહોંચે છે. આવું જ એક ઉદાહરણ અનુપપુર જિલ્લાના જમુના કોલિયરીના રહેવાસી અભિષેક પાંડેએ સ્થાપિત કર્યું છે, જેણે પોતાના પિતાના સન્માન અને ન્યાય માટે 11 વર્ષ સુધી લડાઈ લડી અને અંતે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં કેસ જીત્યો અને પિતાને યુનિફોર્મમાં પાછો મેળવ્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

2013માં મિથિલેશ પાંડેને ઉમરિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ વિભાગીય તપાસ પછી તેની આવક કરતાં વધું સંપત્તિ ધરાવવાનો આરોપ મૂકીને તેને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. મિથિલેશ પાંડેએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર ન્યાય માટે અરજી કરી હતી, પરંતુ તેની વાતને અવગણવામાં આવી હતી. જ્યારે બધી આશાઓ તૂટતી જણાતી હતી, ત્યારે તેણે મધ્યપ્રદેશ હાઈકોર્ટ, જબલપુરનો દરવાજો ખટખટાવ્યો અને ન્યાયની માંગણી કરી.

મામલો કોર્ટમાં પહોંચ્યો, પરંતુ ખાતાકીય અડચણોને કારણે નિર્ણય આવતાં વર્ષો વીતી ગયા. દરમિયાન મિથિલેશ પાંડેનો પરિવાર માનસિક, આર્થિક અને સામાજિક રીતે સંઘર્ષ કરતો રહ્યો. ઘરની આર્થિક સ્થિતિ કથળવા લાગી, તેને સામાજિક ટોણાનો સામનો કરવો પડ્યો, પરંતુ પાંડે પરિવારે હાર ન માની. દરમિયાન તેના પુત્ર અભિષેક પાંડેએ કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ જબલપુર હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.

અભિષેકે પોતે પિતાનો કેસ લડ્યો હતો

એડવોકેટ બન્યા બાદ પોતાની કારકિર્દીની શરૂઆત કરતા અભિષેકે સૌપ્રથમ તેના પિતાનો કેસ ઉઠાવ્યો અને ન્યાય મેળવવા માટે તમામ પ્રયાસ કર્યા. 2024માં તેણે હાઈકોર્ટના જસ્ટિસ સંજય દ્વિવેદી સમક્ષ તેના પિતાની તરફેણમાં મજબૂત દલીલો રજૂ કરી અને તમામ આરોપોને ફગાવી દીધા.

જસ્ટિસ સંજય દ્વિવેદીની કોર્ટમાં તેણે પોતાના પિતાનો કેસ પૂરા આત્મવિશ્વાસ, તર્ક અને સંવેદનશીલતા સાથે રજૂ કર્યો હતો. ઊલટતપાસ દરમિયાન તેણે કોર્ટ સમક્ષ સાબિત કર્યું કે તેના પિતા પરના આરોપો પાયાવિહોણા છે અને તેને ખોટી રીતે નોકરીમાંથી દૂર કરવામાં આવ્યાં, સાથે જ તેના સ્વાભિમાનને પણ ઠેસ પહોંચી છે. તેની મહેનત રંગ લાવી અને 17 મે, 2024ના રોજ, હાઇકોર્ટે આદેશ જારી કર્યો કે મિથિલેશ પાંડેને સેવામાં પુનઃસ્થાપિત કરવામાં આવે.

5 એપ્રિલના રોજ, પિતા અનુપપુર પોલીસ સ્ટેશનમાં નોકરી પર ફરીથી જોડાયા

કોર્ટના આદેશ બાદ અનુપપુર પોલીસ અધિક્ષકે તેમને ફરી ફરજ પર હાજર કર્યા. 5 એપ્રિલ 2025ના રોજ મિથિલેશ પાંડેએ અનુપપુર પોલીસ સ્ટેશનમાં હાજરી આપી. તે દિવસ પાંડે પરિવાર માટે ન માત્ર નોકરી મેળવવાનો દિવસ હતો, પણ ન્યાય, આત્મસન્માન અને આત્મવિશ્વાસ પરત કરવાનો દિવસ પણ હતો. પિતાની આંખોમાં ગર્વ અને કૃતજ્ઞતાના આંસુ હતા. પુત્રએ ન માત્ર કાયદાની પ્રેક્ટિસ જ કરી પરંતુ તેના પિતાનું સન્માન પણ પરત આપ્યું.

સ્થાનિક લોકોએ પણ પાંડે પરિવારને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને અભિષેક પાંડેના વખાણ કર્યા હતા, જેમણે સાબિત કર્યું હતું કે જો દીકરો દ્રઢ નિશ્ચય રાખે તો તે પિતાની લડાઈ જીતી શકે છે. આ કહાની પુત્રની અતૂટ વફાદારી, સંઘર્ષ અને પ્રેમનું ઉદાહરણ બની છે, જે વર્ષો સુધી લોકોના હૃદયમાં પ્રેરણા બનીને જીવશે.

 

Related News

Icon