
2019માં થયેલા પુલવામા આતંકી હુમલામાં ઉપયોગ થયેલો વિસ્ફોટક ઇ-કોમર્સ વેબસાઇટ Amazon પરથી ખરીદવામાં આવ્યો હતો. વિશ્વભરમાં આતંકી ફંડિંગ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
FATFએ આ રિપોર્ટમાં 2022માં યુપીના ગોરખપુરમાં ગોરખનાથ મંદિર પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે. અહીં હુમલાખોર આતંકીને ઓનલાઇન મની ટ્રાન્સફર પ્લેટફોર્મ PayPal દ્વારા પૈસા આપવામાં આવ્યા હતા.આ બન્ને ઘટનાને ઉદાહરણ તરીકે રજૂ કરતા સંગઠને ચેતવ્યા છે કે ઇ-કોમર્સ અને ડિજિટલ પેમેન્ટ સેવા જો ખોટા હાથમાં જતી રહે તો તે આતંકને ભાર આપવાનું માધ્યમ બની શકે છે.
આતંકી ફંડિંગની રીત બદલાઇ રહી છે- FATFના રિપોર્ટમાં દાવો
આ FATF રિપોર્ટનું નામ 'ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક પર વ્યાપક અપડેટ' છે. આ 131 પાનાનો રિપોર્ટ સમજાવે છે કે આતંકવાદને ભંડોળ આપવાની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ રહી છે.રિપોર્ટમાં જણાવાયું છે કે આતંકવાદી સંગઠનો હવે પરંપરાગત ભંડોળ પદ્ધતિઓની સાથે ઓનલાઈન પેમેન્ટ્સ, ગેમિંગ પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ સાઇટ્સ જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે.આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદ ભંડોળ (TF) ની વ્યૂહરચના સમાન નથી, પરંતુ વિવિધ પરિસ્થિતિઓ અનુસાર વિવિધ સ્થળોએ વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે.
પુલવામા હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા
14 ફેબ્રુઆરી 2019માં CRPFનો એક કાફલો શ્રીનગર-જમ્મુ હાઇવે પરથી પસાર થતો હતો. ટ્રક પુલવામા પાસે પહોંચ્યો ત્યારે એક આત્મઘાતી હુમલાખોર 200 કિલો વિસ્ફોટક ભરેલી મારૂતિ ઇકો કાર લઇને ઘુસી ગયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સુરક્ષાદળોને લઇને જતી 2 બસના ટુકડા થઇ ગયા હતા અને તેમાં સવાર 40 સૈનિક શહીદ થયા હતદા. ભારત સરકારની તપાસમાં આ હુમલો પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) દ્વારા કરવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં વપરાયેલા વિસ્ફોટકો સરહદ પારથી ભારતમાં લાવવામાં આવ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા બોમ્બમાં વપરાયેલ એલ્યુમિનિયમ પાવડર, જેનો ઉપયોગ વિસ્ફોટને વધુ ઘાતક બનાવવા માટે કરવામાં આવ્યો હતો, તે એમેઝોન પરથી ઓનલાઈન ખરીદવામાં આવ્યો હતો.