કોંગ્રેસે ખાનગી કોલેજોમાં પણ અનામત આપવાની માગ કરી છે. કોંગ્રેસની કોમ્યુનિકેશન સેલના પ્રમુખ જયરામ રમેશે સોમવારે આ ડિમાન્ડ કરી. તેમણે સંસદીય સમિતિની ભલામણનું સમર્થન કરતાં આ માગ કરી જેમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના આર્ટિકલ 15(5) હેઠળ ખાનગી કોલેજોમાં પણ ઓબીસી, એસસી અને એસટી વર્ગને અનામત આપવામાં આવે. રસપ્રદ વાત એ છે કે લગભગ 20 વર્ષ પહેલા જ આ મામલો આવ્યો હતો અને બંધારણમાં સુધારા બાદ પણ તત્કાલીન યુપીએ-1 સરકાર આનાથી પાછળ હટી ગઈ હતી. આ સરકારનું નેતૃત્વ કોંગ્રેસ તરફથી જ કરવામાં આવી રહ્યું હતું. યુપીએ સરકારના સમયમાં જ બંધારણમાં 93મો સુધારો થયો હતો, જેમાં આર્ટિકલ 15(5) લાવવામાં આવ્યું હતું.

