25 જૂન, 2025નો એટલે કે આજનો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે કારણ કે આ દિવસે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની યાત્રા પર નીકળી ગયા છે. શુભાંશુ શુક્લા નાસા અને ઈસરોના સંયુક્ત મિશનમાં Axiom-4 હેઠળ અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય બનશે. ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે કોઈ ભારતીય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકશે.
4 અંતરિક્ષયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યા
આ મિશન ભારત માટે ઐતિહાસિક છે, 1984માં રાકેશ શર્મા પછી આ બીજી વખત છે જ્યારે કોઈ ભારતીય અંતરિક્ષમાં જશે. આ મિશન હેઠળ 4 અંતરિક્ષયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યા છે. જેમાં શુભાંશુ શુક્લા પાઈલટ તરીકે કામ કરશે. તેમજ મિશનનું નેતૃત્વ કમાન્ડર પૈગી વ્હિટસન કરી રહ્યા છે, હંગેરીના અંતરિક્ષયાત્રી ટિબોર કપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી મિશન નિષ્ણાતો છે. Axiom-4 બુધવારે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે.
https://twitter.com/ANI/status/1937761685420540169
Axiom મિશનમાં શુભાંશુ શુક્લાની ભૂમિકા શું હશે?
શુભાંશુ શુક્લાને આ મિશનમાં પાઇલટ તરીકે ISS મોકલવામાં આવી રહ્યા છે એટલે કે શુભાંશુ ડ્રેગન કેપ્સ્યુલનું માર્ગદર્શન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેના દ્વારા Axiom-4 મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) મોકલવામાં આવશે. અહીં, અંતરિક્ષયાનને ISS પર ડોક કરીને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી શુભાંશુના ખભા પર રહેશે.
આ ઉપરાંત, જો આ કેપ્સ્યુલને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો શુભાંશુ પાસે અંતરિક્ષયાનને નિયંત્રિત કરવાની અને કટોકટીના નિર્ણયો લેવાની જવાબદારી રહેશે. એવું કહી શકાય કે શુભાંશુ આ મિશનમાં સેકન્ડ-ઇન-કમાન્ડની ભૂમિકામાં રહેશે. પેગી વ્હિટસન પછી, તેઓ Axiom-4 ના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હશે.
આ મિશનનો હેતુ શું છે?
Axiom સ્પેસની વેબસાઇટ અનુસાર, Axiom-4 મિશન દરમિયાન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે. જેમાં 31 દેશોના વૈજ્ઞાનિકો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. ભારત અને નાસા વચ્ચે સંયુક્ત સહયોગમાં 12 પ્રયોગો કરવામાં આવશે, જેમાં 7 પ્રયોગ ભારત દ્વારા કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ 5 અમેરિકન સંશોધન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રયોગો મુખ્યત્વે જૈવિક વિજ્ઞાન, માનવ સ્વાસ્થ્ય, અંતરિક્ષ જીવન પ્રણાલીઓ અને મોર્ડન ટેકનોલોજી પર આધારિત હશે.
ભારત માટે પણ ખાસ છે આ મિશન
ભારત 2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ મથક બનાવવાનું અને 2047 સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓ મોકલવાનું લક્ષ્ય રાખે છે. ભારત પણ આ માટે તૈયારી કરી રહ્યું છે. તેમજ શુભાંશુ શુક્લા ગગનયાન મિશનનો ભાગ ન હોવા છતાં, Axiom-4 માંથી મેળવેલ તેમનો અનુભવ ગગનયાન અવકાશયાત્રીઓની તાલીમ અને મિશન ડિઝાઇનમાં ઉપયોગી સાબિત થશે. આ મિશન ભારતને પોતાનું અંતરિક્ષ મથક બનાવવાની પણ મદદ કરશે.
વૈશ્વિક સ્તરે ભારતની શાખમાં વધારો કરશે
Axiom-4 મિશન ભારતની વૈશ્વિક વૈજ્ઞાનિક છબીને મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવામાં મદદ કરશે. શુભાંશુ શુક્લા રાકેશ શર્મા પછી ભારતના બીજા અંતરિક્ષયાત્રી બનશે, જે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની સાતત્ય અને વિકાસને સ્પષ્ટપણે દર્શાવે છે.
લોન્ચ ઘણી વખત મુલતવી રાખવામાં આવ્યું
મિશન હેઠળ લોન્ચિંગ 29 મેના રોજ થવાનું હતું, પરંતુ ફાલ્કન 9 રોકેટના બૂસ્ટરમાં અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના જૂના રશિયન મોડ્યુલમાં લીક્વીડ ઓક્સિજનનું લીકેજ જોવા મળ્યા બાદ, તેને પહેલા 8 જૂન, પછી 10 જૂન અને પછી 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું. આ પછી, લોન્ચિંગ યોજના ફરીથી 19 જૂન સુધી મુલતવી રાખવામાં આવી અને પછી લોન્ચિંગ તારીખ 22 જૂન નક્કી કરવામાં આવી. 22 જૂનના લોન્ચિંગને મુલતવી રાખવામાં આવ્યા બાદ, હવે તેને 25 જૂને લોન્ચ કરવામાં આવી રહ્યું છે.