
સુરત નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક 3 ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર વાહનો એકબીજા સાથે અથડાતા એક વ્યક્તિનો હાથ કપાઇ ગયો છે. જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
એકબીજાની પાછળ અથડાયા
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે સુરત નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક ચાર વાહનો વચ્ચે વિચિત્ર અક્સ્માત સર્જાયો હતો. ત્રણ સિમેન્ટ ભરેલા ટ્રેલર અને એક પેસેન્જર ભરેલી લકઝરી બસ એકબીજાની પાછળ ટકરાઇ હતી. આ અકસ્માતમાં 1 વ્યક્તિનો હાથ કપાઇ ગયો હતો, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા છે.
તપાસ હાથ ધરાઈ
અકસ્માતના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. જોકે અકસ્માતનો ભોગ બનેલા વાહનોને હાઇવે પરથી ખસેડીને હાઇવે ખુલ્લો કરી ટ્રાફિકને હળવો કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે.