
સુરતમાં મોબાઇલ ફોનની જાહેરાત માટે વનવિભાગના નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. સુરતમાં મોબાઈલ બ્રાન્ડિંગ માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં વનવિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ દુકાનદારે હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી.
શું હતી ઘટના?
સુરતમાં હેવમોર મોબાઈલની દુકાનના માલિક દ્વારા મોબાઈલની જાહેરાત કરવા માટે હાથીનો ઉરયોગ કરવામાં આવ્યો હતો. મોબાઈલની મજબૂતાઈ દર્શાવવા માટે વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક હાથીના પગ નીચે મોબાઈલ મૂકીને જાહેરાત કરી રહ્યો છે. સમગ્ર ઘટના વિશે જાણ થતાં લગભગ 4 દિવસ પહેલાં વનવિભાગ દ્વારા દુકાનદારને જવાબ માંગતી નોટિસ મોકલવામાં આવી હતી. જો કે, હજુ સુધી દુકાનદાર દ્વારા નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
વનવિભાગના નિયમોનો ભંગ
નોંધનીય છે કે, વનવિભાગના નિયમો અનુસાર કોઈપણ વન્યજીવનો ઉપયોગ કોઈપણ પ્રકારની જાહેરાત માટે કરી ન શકાય. તેમ છતાં સુરતમાં આ નિયમના ધજાગરા થતા જોવા મળ્યા હતાં. એટલું જ નહીં, સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પણ પોલીસ તંત્ર દ્વારા આ વિશે કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.