
ગુજરાત વિધાનસભા ગૃહમાં ચર્ચાકાળ દરમિયાન વિપક્ષે વિવિધ મુદ્દાઓ ઉઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં વિપક્ષના સવાલોના શાસક પક્ષ દ્વારા જવાબો આપવામાં આવ્યા હતા. તુષાર ચૌધરીએ મહાત્મા મંદિર મુદ્દે સરકારને ઘેરી હતી. કિરિટ પટેલે પાટણનો મુદ્દો ઉઠાવ્યો હતો. જમીન માપણીનો મુદ્દો પણ વિધાન સભામાં ગૂંજ્યો હતો.
મહાત્મા મંદિરનો સરકારી વાહવાહી માટે થઈ રહ્યો છે ઉપયોગઃ તુષાર ચૌધરી
કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ વિધાનસભામાં કહ્યું કે, આજે પણ મહાત્મા મંદિરના ઉપયોગ બાદ ભાડાં વસુલવાના બાકી છે. સરકારી વાહવાહી કરવા માટે મહાત્મા મંદિરનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ સરકાર ભાડા વસુલવામાં ગલ્લા તલ્લા કરે છે. પરંતુ ક્યા કાર્યક્રમ પેટે કેટલું ભાડું આપવાનું બાકી છે એનો સરકારે ઉલ્લેખ કરવો જોઇએ.
આજે કોઇ પણ પાર્ટી પ્લોટ ભાડે લેવો હોય તો પણ એડવાન્સ ચુકવવા પડે છે. સરકાર હસ્તકનું મહાત્મા મંદિર ધોળો હાથી સાબીત થયો છે. હાલમાં મહાત્મા મંદિરનું મેઇટેન્સસ એટલું બધું છે કે તેને તાળાં વાગશે એવું લાગે છે. રાજય સરકાર મહાત્મા મંદિરના ભાડાની ઉઘરાણીમાં સતર્ક નથી. અમે અમારા અધિવેશન માટે એડવાન્સ ભાડું ચુકવવા તૈયાર હતા છતાં અમને મહાત્મા મંદિર અપાયું નહીં.
ભાજપના મળતિયાઓને લાભ અપાવવા જમીનની ખોટી માપણી કરી: હેમંત ખવાં
વિધાનસભા સત્રમાં વિપક્ષ દ્વારા શાસક પક્ષને સતત ઘેરવામાં આવી રહ્યો છે. જામજોધપુર આપ ધારાસભ્ય હેમંત ખવાએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી રાજ્યના ખેડૂતો ખોટી જમીન માપણીથી હેરાન થઈ રહ્યા છે. સરકાર સતત બોલે છે કે છેલ્લા 10 વર્ષથી ભૂલ સુધારવાનું કામ ચાલુ છે. જે હજુ પણ પૂરું થયું નથી.
માત્ર જામનગર માં 83 હજાર અરજીની સામે માત્ર 13 હજાર અરજીનો નિકાલ કર્યો છે. હેમંત ખવાએ કહ્યું કે, આ જમીન માપણી ભૂલ નથી પણ કૌભાંડ છે અને ભાજપના મળતીયાઓને લાભ અપાવવા ખોટી માપણી કરી છે.
વિધાનસભામાં હેમંત ખવા ટીશર્ટ પહેરીને આવતા બહાર કઢાયા. તેમણે કહ્યું કે, આવો કોઈ નિયમ નથી કે આવી ટી શર્ટ પહેરીને નાં આવવું. તેમ છતાં મને બહાર કાઢ્યો છે. અધ્યક્ષે રૂલીંગ આપ્યું એટલે ના ન પાડી શકાય એટલે ગૃહમાં મે નથી પૂછ્યું, પરંતુ રૂબરૂ મળી નિયમ બાબતે વાત કરીશ.
પાટણ MBBS પરીક્ષામાં ફરિયાદ થઈ, પરંતુ મુખ્ય આરોપીનું નામ કેમ ના નોંધ્યું?
પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચર્ચિત MBBS પરીક્ષાનો મુદો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તપાસ કમિટી નિમવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. પુરવણી બહાર ગઈ હતી. ACS હોમ દ્વારા આ તપાસ કરવામાં આવી છે. CID ક્રાઇમ દ્વારા 5.11 દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો. જેજે વોરા સહિતના રજિસ્ટ્રાર સામે કાર્યવાહી કરવા આદેશ કરાયા હતા. હાઇકોર્ટે પણ અનેક વાર નિર્દેશ આપ્યા છે.
કુલસચિવ અને કુલપતિ દ્વારા પાટણ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પરંતુ આ ફરિયાદમાં મુખ્ય આરોપીનું નામ કેમ નથી નોંધવામાં આવ્યું.
3 વિદ્યાર્થીઓ અને 1 રોજમદાર સામે ફરિયાદ કરવામાં આવી છે. શા માટે રજીસ્ટાર જે જે વોરા સામે ફરિયાદ દાખલ ના કરાઈ. શા માટે તેમનો બચાવ કરવામાં આવે છે. કોના ઇશારે આવા લોકોને છાવરવામાં આવે છે. શિક્ષણ જગતમાં આ પ્રકારની ઘટના ચલાવી ન લેવાય.
હું ગૃહમાં બોલી શકું છું પણ જીતુભાઈ ઘરે નથી બોલી શકતાઃ સી.જે. ચાવડા
વિધાન સભા સત્ર દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ હળવી ખેંચાખેંચી પણ જોવા મળી હતી. શાસક પક્ષમાંથી જીતુ વાઘાણીએ કહ્યું કૃષિ વિભાગની માંગણીઓ પર આજે ડો. સી. જે. ચાવડા અધિકારી દીર્ધામાં ઉપસ્થિત અધિકારીના કારણે મૌન છે. જણાવી દઈએ કે, ડો સી જે ચાવડાના પત્નિ ફાલ્ગુની ઠાકર પશુપાલન વિભાગના સચિવ અધિકારી છે. જીતુ વાઘાણીની કમેન્ટ પર સી.જે. ચાવડાએ કહ્યું કે, હું ગૃહમાં બોલી શકું છું પણ જીતુભાઈ ઘરે નથી બોલી શકતા. કોંગ્રેસ ના નેતા અમિત ચાવડાએ કહ્યું કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બન્ને સભ્યોને મંત્રી બનાવો.