
અમદાવાદ શહેરમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ભાણેજના લગ્નમાં આવેલા મામાએ બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ઘાટલોડીયા વિસ્તારમાં વર્ધમાનનગર ખાતે ચાલુ વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરતો વીડિયો દેવ પરમાર નામના વ્યક્તિએ સ્નેપચેટ દ્વારા સ્ટેટસમાં મૂક્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, નિવૃત આર્મી જવાન કુંભાભાઈ રાણાએ 19 એપ્રિલના રોજ વરઘોડામાં ફાયરિંગ કર્યું હતું. લાયસન્સ વાળી પિસ્તોલથી ફાયરિંગ કરતા ફરિયાદ નોંધાઈ હતી. વીડિયો વાયરલ થતા ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઈને ફાયરિંગ કરનાર આરોપીની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કુંભાભાઈ રાણાની ધરપકડ કરી ફાયરિંગ કરેલ પિસ્તોલ, ફૂટેલાં કારતૂસ અને લાયસન્સ જપ્ત કર્યું છે.
ઘાટલોડિયા પોલીસે સમગ્ર મામલે હથિયારનું લાયસન્સ રદ્દ કરવામાં માટે રિપોર્ટ કર્યો છે. આરોપી દ્વારા અન્ય કોઇ જગ્યાએ હથિયારનો ઉપયોગ કર્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસ આદરી છે. તેમજ એફએસએલની મદદ પણ લેવામાં આવી છે.