
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીમાં ઠંડક મેળવવા માટે સુરતના ત્રણ મિત્રો નવસારીની અંબિકા નદીએ નહાવા પહોંચ્યા હતા. આ દરમિયાન ત્રણેય મિત્રો નદીના પાણીમાં તણાયા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે મોડી રાત સુધી તરવૈયાની મદદથી યુવકના મૃતદેહને બહાર નીકાળીને પીએમ અર્થે મોકલ્યો હતો.
નદીમાં ડૂબી જવાથી એકનું મોત
રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે. આ દરમિયાન સુરતના ત્રણ ચીખલી તાલુકાના સરૈયા ગામે અંબિકા નદીના ચેકડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં 21 વર્ષીય રાજ દેવરાજ નાયકા નદીમાં અંદર સુધી પહોંચતા પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર સહિત બીલીમોરા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બિગ્રેડની ટીમ અને તરવૈયાની મદદથી નદીમાં ડૂબી ગયેલાં યુવકની શોધખોળ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકનું પીએમ કરીને પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.