
Anand News: ગુજરાતભરમાં સરપંચની ચૂંટણી પતી ગઈ છે ત્યારે આણંદ જિલ્લાના તારાપુરમાં ચૂંટણીની અદાવતમાં ત્રણ ઈસમો પર હુમલો કરનાર પાંચ આરોપીઓ ઝડપાયા છે. ગતરોજ આદરૂજ ગામના ચૂંટાયેલ સરપંચના ટેકેદારોને મોરજ રોડ પર આંતરીને માર મારનાર આદરૂજ ગામના પૂર્વ સરપંચના પુત્ર સહિત પાંચ ઝડપાયા છે. ત્રણેક દિવસ પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી જતા તેની રીસ રાખીને હારેલા સરપંચના પુત્ર સહિત પાંચ, આદરૂજ ગામના ચૂંટાયેલ સરપંચના ટેકેદારોને માર મારી ફરાર થયા હતા.
તારાપુર પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓ સહિત મુદ્દામાલમાં એક સ્કોર્પિયો અને સ્વિફ્ટ કારને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણીની શરૂઆતે આ ગામની ચૂંટણી લોહિયાળ બનશે તેવી લોકમુખે ચર્ચા હતી. જેથી સાવધાની રાખી પોલીસે જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો. પરંતુ પરિણામના ત્રીજા દિવસે બીજ ભરવા જઈ રહેલા ટેકેદારોને આંતરી પૂર્વ સરપંચના પુત્ર અને સાગરીતો દ્વારા હુમલો કરાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા આદરૂજ ગામે પહોંચી ઘાયલોને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી, ગામમાં જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.