Home / Entertainment : Ananya Pandey glam doll starts getting serious

Chitralok: અનન્યા પાંડે ગ્લેમ ડોલ ગંભીર થવા માંડી

Chitralok: અનન્યા પાંડે ગ્લેમ ડોલ ગંભીર થવા માંડી

- 'હું નાની હતી ત્યારે અતિશય કોન્ફિડન્ટ હતી, પણ તરૂણાવસ્થામાં આવ્યા પછી સાવ કોચલામાં લપાઈ ગઈ હતી. અલબત્ત, અભ્યાસમાં  હું તેજસ્વી હતી.  મારાં મમ્મી પપ્પાને લાગતું હતું  કે આ છોકરી બોલિવુડમાં શી રીતે ટકી શકશે? પણ હું અભિનેત્રી બનવા માટે મક્કમ હતી'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અનન્યા પાંડે કંઈ પણ કરે, ટ્રોલર્સ એનો પીછો નહીં છોડે. જુઓને, થોડા દિવસો પહેલાં કરણ જોહરે એક ફિલ્મ અનાઉન્સ કરી હતી - 'ચાંદ મેરા દિલ'. કલાકારો? 'કિલ' ફેમ લક્ષ્ય લાલવાણી અને અનન્યા પાંડે પત્યું. લોકો કરણ જોહર અને અનન્યા પર તૂટી પડયા. કરણને નેપો કિડ્સ સિવાય કોઈ દેખાતું જ નથી... અનન્યામાં એવું તે શું છે કે કરણ જોહર એને એક પછી એક ફિલ્મો આપતો જ જાય છે? લોકો એ ભૂલી ગયા કે ફિલ્મમાં અનન્યાનો હીરો નેપો કિડ નથી, પણ પોતાના મેરિટ પર આવેલો 'આઉટસાઇડર' છે!  

હા, એ વાત ખરી કે અનન્યાએ કરિયરની શરૂઆતમાં ટિપિકલ ગ્લેમરસ રોલ જ કર્યાં. પણ પછી 'ખો ગયે હમ કહાં' , 'કેસરી-2' જેવી ફિલ્મો અને વેબ સિરીઝ 'કોલ મી બે' ના પાત્રોએ સરાહના મેળવી છે.

અનન્યા પાંડે જોકે રોમેન્ટિક કોમેડીને મિસ કરી રહી છે. એથી જ 'ચાંદ મેરા દિલ' અને 'કોલ મી બે' ની બીજી સિઝન માટે એ ઉતાવળી થઈ રહી છે. 

અનન્યાએ વિવેક સોની દિગ્દર્શિત રોમેન્ટિક ડ્રામા 'ચાંદ મેરા દિલ' ના મહત્ત્વના હિસ્સાનું શૂટીંગ ઓલરેડી પૂરુ પણ કરી નાખ્યું છે. ફિલ્મ વિશે પોતાની ઉત્સુકતા જાહેર કરતા અનન્યા કહે છે, "મેં ક્યારેય ડ્રામાટીક પ્રેમ કહાનીમાં કામ નથી કર્યું. આ ફિલ્મ ટિપિકલ રોમેન્ટિક કોમેડી કરતાં અલગ છે. 'કોલ મી બે' ની બીજી સિઝન માટે પણ તૈયારી કરી રહી છું."

શબ્દો ચોર્યા વિના કે હકીકત સંતાડયા વગર વાત કરવા ટેવાયેલી અનન્યા કહે છે, "મેં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મારી પ્રાથમિકતાઓ જુદી હતી. આ વાત ઘણા લોકો માની શકતા નથી. મેં જ્યારે મારા માતા-પિતાને કહ્યું હતું કે હું અભિનય ક્ષેત્રે જવા માગું છું. ત્યારે તેઓ પણ દંગ રહી ગયા હતા. વાસ્તવમાં હું નાની હતી ત્યારે અતિશય આત્મવિશ્વાસુ હતી, પણ તરૂણાવસ્થામાં આવ્યા પછી સાવ કોચલામાં લપાઈ ગઈ હતી. અલબત્ત, અભ્યાસમાં હું તેજસ્વી હતી. મારા માતા-પિતાને એમ લાગતું હતું  કે હું બોલિવુડમાં શી રીતે ટકીશ? પણ હું અભિનેત્રી બનવા કૃતનિશ્ચયી હતી."

અદાકારા વધુમાં કહે છે, "મેં  ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે હું જે પ્રકારની મૂવીઝ જોઈને મોટી થઈ છું તેના કરતાં હમણાં બની રહેલી ફિલ્મો તદન જુદી છે. આમ છતાં હું સંપૂર્ણપણે બોલિવૂડનું બાળક છું અને હમેશાં રહીશ. ખુદને ૭૦ એમએમના પડદા પર ગાતી, નાચતી, સંવાદો બોલતી જોવા માટે જે જે કરવું પડે તે કરીને મારો હરખ સમાતો નહતો. કારણ કે હું આ બધું જોઈને  જ ઉછરી છું." 

અનન્યા ઉમેરે છે કે હવે એને પાત્રોમાં ઊંડે સુધી ઊતરવું ગમે છે. લોકો ભલે કમર્શિયલ અને ઓફબીટ ફિલ્મોને અલગ અલગ પ્રકારની માનતા હોય, એના મતે બંને પ્રકારની ફિલ્મોમાં કામ કરવું એકસમાન રીતે મુશ્કેલ છે. "જ્યારે લોકો મને કહેતા કે તને 'કેસરી-2' માં કામ કરવાનું ચોક્કસપણે અઘરું લાગ્યું હશે ત્યારે મને નવાઈ લાગે છે. બંને પ્રકારની મૂવીઝમાં ગાવું, હોઠ ફફડાવવા, ડાન્સ કરવું એકસમાન જ હોય. તો પછી તેમાં નોખું શું?  હા, કારકિર્દીના આરંભમાં હું થોડી ગભરાતી. પણ 'ગહરાઈયાં' પછી મારો ડર જતો રહ્યો."

'ખો ગયે હમ કહાં' (૨૦૨૩) અને 'સીટીઆરએલ'(૨૦૨૪) જેવી ફિલ્મોમાં વાસ્તવિક, સુસંગત પાત્ર નિભાવીને અનન્યા ખાસ કરીને યુવા પેઢીમાં વધુ લોકપ્રિય થઈ. અનન્યા કહે છે, "મારા ઉછેર દરમ્યાન હું કરીના કપૂર અને આલિયા ભટ્ટની ફેન હતી. હવે જ્યારે મને કોઈ કહે કે તેમની પુત્રીઓ મારી ફેન છે ત્યારે મારી ખુશીનો કોઈ પાર નથી રહેતો."

આજે પણ અનન્યા તેની નાનપણની સખીઓ સુહાના ખાન, નવ્યા નવેલી નંદા, શનાયા કપૂર સાથે ઘણો સમય વીતાવે છે. તેમની દોસ્તી આજે પણ એવી જ છે. અનન્યા સમાપન કરે છે, "અમે નાના હતા ત્યારે એડ-એડ રમતા અને તેમાં એક જણ નિર્ણાયકની ભૂમિકા ભજવતું. આજે અમે એ સમય સંભારીને ખૂબ હસીએ છીએ."

Related News

Icon