Home / Gujarat / Gandhinagar : Shortage of 16 thousand Anganwadis in Gujarat

ગુજરાતમાં 16 હજાર આંગણવાડીઓની ઘટ, 64 લાખ બાળકો પોષણ યોજનાના લાભથી વંચિતઃ ખુલી સરકારની પોલ

ગુજરાતમાં 16 હજાર આંગણવાડીઓની ઘટ, 64 લાખ બાળકો પોષણ યોજનાના લાભથી વંચિતઃ ખુલી સરકારની પોલ

ગુજરાતમાં 16,045 આંગણવાડીઓની ઘટ હોવાથી 37.33 લાખ બાળકો આંગણવાડીઓનો લાભ મેળવવાથી વંચિત રહ્યા હોવાનું બાળ વિકાસ સેવાઓની યોજનાઓના અમલીકરણના ઓડિટ અંગેનો શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બીજી તરફ સહાયક પોષણ યોજનાનો લાભ મેળવવાથી કુલ 4.63 કરોડ બાળકોમાંથી 64 લાખ બાળકો વંચિત રહી ગયા છે. કુલ બાળકોમાંથી 14 ટકા બાળકો સહાયક પોષણ યોજનાના લાભથી 2016થી 2023ના ગાળામાં વંચિત રહ્યા હતા. રસીકરણની સતત ઝુંબેશ ચલાવતી હોવા છતાં 6 ટકા બાળકો રસીકરણની સુવિધા મેળવી શક્યા નથી. જોકે 94 ટકા બાળકોને આ સુવિધા મળી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતમાં 11.63 ટકા બાળકો ઓછા વજન સાથે જન્મે છે

બીજી તરફ આજે તબીબી વિજ્ઞાન આગળ વધ્યું હોવા છતાંય અને આરોગ્ય માટે વધુ ખર્ચ કરવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવતો હોવા છતાંય આજની તારીખે ગુજરાતમાં 11.63 ટકા બાળકો ઓછા વજન સાથે જન્મે છે. નેશનલ ન્યૂટ્રીશન મિશનની માર્ગદર્શિકા મુજબ ઓછા વજનના બાળકોની સંખ્યામાં બે ટકાનો વાર્ષિક ઘટાડો કરવાના ટાર્ગેટની ગુજરાત નજીક પહોંચી શકતું નથી. માંડ પોણા ટકા કરતાં પણ ઓછો ઘટાડો કરવામાં સફળતા મેળવી છે. નવજાત શિશુઓ અને  તેની માતાઓને આપવામાં આવતી આરોગ્ય તપાસ અને સારવારની સુવિધા, રસીકરણની સુવિધા પણ ટાર્ગેટ કરતાં ઓછા લોકોને આપી શકાઈ હતી. નવજાત શિશુઓ અને સ્તનપાન કરાવતી માતાઓને આઈએફએ ટેબ્લેટ્સની સારવાર આપવાના ટાર્ગેટ કરતાં ઓછા લોકોને આપી શકાઈ હતી. 

8852 આંગણવાડીઓ સાવ જર્જરિત મકાનમાં ચાલે છે

ગુજરાતમાં કુલ 53029 આંગણવાડીઓ સક્રિય છે. તેમાંથી 3381 આંગણવાડીઓ સાવ જ ખુલ્લી જગ્યામાં ચાલી રહી હોવાનુ કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આવક વધતા ગુજરાતના અર્થતંત્રનું કદ અને ખર્ચ વધી રહ્યો હોવા છતાં 8852 આંગણવાડીઓ સાવ જર્જરિત મકાનમાં ચાલતી હોવાનું તારણ કાઢ્યું છે. આંગણવાડીઓના મકાન પાક્કા જ હોય તે સુનિશ્ચિત કરવાનું કામ હજીય બાકી જ છે. 2023માં પૂરા થયેલા સાત વર્ષના ગાળામાં 30 બાળકોની આંગણવાડી 600 ચોરસ મીટર જગ્યામાં બાંધવાના નિયમનું પણ પાલન કરવામાં આવ્યું નથી. પરિણામે બાળકોને ભીડભાડમાં રહેવું પડે છે. 

1299 આંગણવાડીઓમાં તો શૌચાલયની જ સુવિધા નથી

ગુજરાતમા 1299 આંગણવાડીઓમાં તો શૌચાલયની જ સુવિધા ન હોવાનું કેગના રિપોર્ટમા દર્શાવવામાં આવ્યું છે. 1032 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા જ ન હોવાનું જોવા મલ્યું છે. 2020ના વર્ષમાં 807 આંગણવાડીઓમાં વિકલાંગ બાળકો માટે રેમ્પ-રેલિંગ બાંધવા રૂપિયા 2 કરોડથી વધુ ફાળવ્યા હતા. તેમ છતાં સપ્ટેમ્બર 2024 સુધીમં માત્ર 220 આંગણવાડીઓમાં રેમ્પ બંધાયા હતા. 

 6709 વૉટર પ્યૂરીફાયર વપરાયા વિના જ પડી રહ્યા 

બાળકોને સારું પીવાનું પાણી મળી રહે તે માટે આપવામાં આવેલા વૉટર પ્યૂરી ફાયરમાંથી 6709 વૉટર પ્યૂરીફાયર વપરાયા વિના જ પડી રહ્યા હતા. 11 આંગણવાડીઓમાં તો ઘરે લઈ જવાની રેશનની કિટ ઉંદરને કારમે દૂષિત થઈ હોવાનું પણ કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ભારત સરકારે જુલાઈ 2018માં આગણવાડી કામદારો અને આંગણવાડી મદદનીશો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાંય નવી વીમા યોજનામાં વીમાંને રૂપાંતરિત કરાવવાનું બાકી છે. આંગણવાડીઓ માટેના કર્મચારીઓની 17થી 30 ટકાની ઘટ છે.   

TOPICS: Anganwadi
Related News

Icon